અરબી સમુદ્રમાં શિવસ્મારકની યોજના રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

February 02, 2020

મુંબઇ  : મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ૬૫૦૦ કરોડના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સાથેનું સ્મારક ઊભું કરવા નીમહારાષ્ટ્ર સરકારની યોજના રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. આ યોજના ગેરકાયદે હોવાની તેમ જ તેની પાછળ જંગી ખર્ચ થવાનો હોવાથી  રદ કરવામાં આવે એવી સર્વોચ્ચ અદાલતમાં અરજ ગુજારવામાં આવી છે.

નેવીના નિવૃ ત્ત વાઇસ એડમિરલ આઇ. સી. રાવ, વરિષ્ઠ નિવૃત્ત સનદી અધિકારી ડી. એમ. સુકશનકર, વનશક્તિ ટ્રસ્ટ અને આદિવાસી કોળી સમાજ સમન્વય સમિતિ તરફથી સુપ્રીમ કોર્ટમાં યાચિકા કરવામાં આવી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ શરદ બોબડેની ખંડપીઠે અરજદારના વકીલની રજૂઆત સાંભળ્યા પછી પ્રતિવાદીને નોટિસ જારી કરી હતી. સમુદ્રમાં થનારા બાંધકામને લીધે પર્યાવરણને ગંભીર હાનિ પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે, એવી રજૂઆત કરવામાં આવી હતી.

શિવ સ્મારકની યોજના જાહેર થયા પછી અનેક વિવાદો ઊભા થયા છે. શિવસ્મારક માટે પસંદ કરવામાં આવેલી જગ્યાની અયોગ્યતા, માછીમારોની આજિવિકા ઝૂંટવાઈ જવાની ભીતિ, પર્યાવરણ અને સમુદ્રી જીવોને પહોંચનારી હાનિ વગેરે બાબતે સતત વિવાદો ઊભા થતા રહ્યા છે.

અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે આ સ્મારક માટે પર્યાવરણના કાયદા અને નિયમોનું ઉલ્લંધન કરી પરવાનગી આપવામાં આવી છે. આ સ્મારક ઊભુંથયા પછી રોજ અંદાજે ૧૦ હજાર પર્યટકો મુલાકાત લે એવી ધારણા છે. આને લીધે દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. સુચિત સ્મારકથી માત્ર ૨૦૦ મીટરના અંતરે વિદેશ સંચાર નિગમના ૫૦૦૦ વોલ્ટના કેબલો દરિયામાં બીછાવવામાં આવ્યા છે. આને લીધે સ્મારક જોવા આવતા પર્યટકો માટે જોખમ ઊભું થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકાર પાસે પૂરતા ભંડોળની અછત અને કલ્યાણકારી કામો માટે પૈસાની ફાળવણી શક્ય નથી એવી સ્થિતિમાં હજારો કરોડ સ્મારક પાછળ ખર્ચવાનું યોગ્ય નથી.