એપલની દર સેકન્ડે દોઢ લાખ, રોજની અધધધ 1,282 કરોડ રૂ. કમાણી!

November 26, 2022

અમેરિકન ટેક જાયન્ટ એપલ દર સેકન્ડે 1,820 ડોલર (અંદાજે 1.48 લાખ રૂપિયા)ની કમાણી સાથે વિશ્વની સર્વાધિક નફાકારક કંપની છે. તેની રોજની કમાણી અધધધ 15.70 કરોડ ડોલર (અંદાજે 1,282 કરોડ રૂપિયા) છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાયનાન્સિયલ ટેક્નોલોજી બિઝનેસ ટિયલ્ટીના નવા રિસર્ચ મુજબ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ તથા વોરન બફેટની બર્કશાયર હેથવે પણ દર સેકન્ડે એક હજાર ડોલરથી વધુ કમાણી કરે છે.

માઇક્રોસોફ્ટ દર સેકન્ડે 1,404 ડોલર (અંદાજે 1.14 લાખ રૂપિયા)ની કમાણી સાથે બીજા અને બર્કશાયર હેથવે દર સેકન્ડે 1,348 ડોલર (અંદાજે 1.10 લાખ રૂપિયા)ની કમાણી સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે રહેલી આલ્ફાબેટ દર સેકન્ડે 1,277 ડોલર (અંદાજે 1.04 લાખ રૂપિયા) કમાય છે જ્યારે ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ દર સેકન્ડે 924 ડોલર (અંદાજે 75,349 રૂપિયા) નફો કરે છે.

રિસર્ચ અનુસાર અમેરિકામાં એવરેજ વર્કર તેની આખી જિંદગીમાં 17 લાખ ડોલર (અંદાજે 13.88 કરોડ રૂપિયા) કમાય છે, જેનાથી વધારે તો આ કંપનીઓની એક કલાકની કમાણી છે. બીજી રીતે જોઇએ તો અમેરિકામાં સરેરાશ વાર્ષિક પગાર 74,738 ડોલર છે, જે હિસાબે અઠવાડિયાનો સરેરાશ પગાર 1,433.33 ડોલર થાય છે. એપલ કંપનીની એક સેકન્ડની કમાણી તેનાથી 387 ડોલર વધારે છે. બીજી તરફ 2021માં ઉબર ટેક્નોલોજીસે 6.8 અબજ ડોલર (દર સેકન્ડે 215 ડોલર)ની ખોટ કરી છે. ઉબર કેબ ભાડે કરવા માટેની વિશ્વની સૌથી મોટી એપ હોવા છતાં ક્યારેય નફો નોંધાવ્યો નથી.