મોદી પર ડોક્યુમેન્ટરી બનાવનાર BBC પર પ્રતિબંધ મૂકવાની અરજી

February 02, 2023

ભારતમાં BBC પર પ્રતિબંધ મૂકવાની એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં આ અરજી પર CJI ડી. વાય. ચંદ્રચૂડે અરજદારને શુક્રવારે ફરીથી વહેલી સુનાવણીની માગ કરવા કહ્યું હતું. હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ આ અરજી દાખલ કરી છે. હકીકતમાં 2002નાં ગુજરાત રમખાણો સાથે સંબંધિત ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ના પ્રસારણ પર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરતી PIL સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે BBCએ ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની તપાસ NIA કરે.

આ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટરી PM મોદીની છબિને નુક્સાન તો પહોંચાડે જ છે, પરંતુ BBC સાથે જ હિન્દુવિરોધી પ્રાચર પણ કરી રહી છે. ભારતીય સ્વતંત્રતાના સમયથી જ BBC ભારતવિરોધી રહી છે. BBC આઝાદી પછી ભારતમાં ભારતવિરોધી પ્રચાર કરી રહ્યું છે.

પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પણ BBC પર ભારતમાં બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં હાજર બ્રિટિશ કર્મચારીઓને દેશ છોડવા માટે જણાવવામાં આવ્યું હતું. ભારતીય કર્મચારીઓને કંપની છોડવામાં કહેવામાં આવ્યું હતું.