આર્કટિક સમુદ્ર થીજી જતા બરફની 11 ઈંચ જાડી ચાદર પથરાઈ, 24 જહાજો ફસાયા

November 25, 2021

નવી દિલ્હી : રશિયા પાસે આર્કટિક સમુદ્રમાં અનુમાન પહેલા જ આકરી ઠંડીના કારણે પાણી બરફ બનવા માંડ્યુ છે અને તેના પગલે 24 જહાજો તેમાં ફસાઈ ગયા છે.

બરફ જામવાના કારણે નોર્ધન સી રુટ બંધ થઈ ગયો છે.જહાજોને કાઢવા માટે હવે રશિયા બરફ કાપનારા બીજા જહાજોને મોકલી રહ્યુ છે.

નોર્ધન સી રુટ શરુ કરવા માટે રશિયાએ ખાસો એવો ખર્ચ કર્યો છે પણ બરફ જામવા માંડતા રશિયાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યુ છે.આ પહેલા રશિયાએ જાહેર કર્યુ હતુ કે, નવેમ્બર સુધી આ રુટ ખુલ્લો રહેશે.કારણકે અગાઉના વર્ષોમાં અહીંયા બરફ જામવાનુ મોડુ શરુ થયુ હતુ.જોકે આ વખતે ઓક્ટોબર મહિનાથી જ બરફ જામવા માંડ્યો છે.

નોર્ધન સી રુટ થકી રશિયા યુરોપ અને એશિયા સુધી પહોંચવાનુ સપનુ જોઈ રહ્યુ છે.આર્કટિક સમુદ્રમાં અત્યારે 11 ઈંચ મોટી બરફની ચાદર જામી ગઈ છે અને હવે તેને તોડવા માટે રશિયા પરમાણુ શક્તિથી ચાલતા બે જહાજોને મોકલી રહ્યુ છે.જે આ બરફને તોડીને ફસાયેલા જહાજો માટે રસ્તો તૈયાર કરશે.જોકે એ પછી પણ કેટલાક જહાજો લાંબો સમય બરફ વચ્ચે ફસાયેલા રહે તેવી શક્યતા છે.

અધિકારીઓનુ કહેવુ છે કે, સાત વર્ષમાં પહેલી વખત એવુ થયુ છે કે, આટલો વહેલો બરફ જામી ગયો હોય.ફસાયેલા જહાજો પૈકી કેટલાકને બહાર કાઢી લેવાયા હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.બીજા જહાજોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.