ચૂંટણી પૂરી થતાં જ રાજ્યમાં મહાનગરોમાં વધી ગયા કેસ

February 22, 2021

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 315 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 272 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ 2,61,281 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,406 પર પહોંચ્યો છે.


હાલમાં ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કોવિડ-19 ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર (Road Transport Border) ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ (Screening) હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા (Corporation) વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો ઉપર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે અને રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.
અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસો કાબુમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, બોટાદ, છોટા ઉદેપુર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.