એશિયાની ઇકોનોમીની ૬૦ વર્ષમાં પહેલી વખત બદતર હાલત : એડીબી

September 16, 2020

મનિલા: કોરોનાને કારણે એશિયાની ઈકોનોમી ૧૯૬૦ પછીના ૬૦ વર્ષમાં સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં મુકાઈ હોવાનું એશિયન ડેવલપમેન્ટ બેન્કે કહ્યું હતું. આવતા વર્ષે એશિયાની ઈકોનોમીમાં તેજી આવશે પણ તે પહેલાંનાં ૬૦ વર્ષમાં તેનાં ખસ્તાહાલ થયા છે. એશિયાના વિકાસશીલ દેશોમાં એશિયા પેસિફિકના ૪૫ દેશોનો સમાવેશ થાય છે. જેનો જીડીપી આ વર્ષે માઈનસ ૦.૭ ટકા રહેવાનો એડીબીએ અંદાજ રજૂ કર્યો હતો. તેણે ૧૯૬૨ પછી પહેલીવાર નકારાત્મક ત્રિમાસિક આંકડા રજૂ કર્યા હતા. એડીબીએ આ અગાઉ જૂનમાં એશિયાની ઈકોનોમીનો ગ્રોથ ૦.૧ ટકા રહેવાની ધારણા રજૂ કરી હતી.  ભારતનો આર્થિક વિકાસદર આ વર્ષે માઈનસ ૯ ટકા રહેવાની ધારણા રજૂ કરાઈ હતી. જ્યારે આવતા વર્ષે ઈકોનોમીમાં તેજીનો સંચાર થશે અને ગ્રોથ રેટ વધીને ૮ ટકા રહેશે. દક્ષિણ એશિયાના દેશોનો ગ્રોથ રેટ આ વર્ષે માઈનસ ૩.૮ ટકા રહેશે. વિકાસનું કદ એલ આકારમાં રહેશે. ફિચ, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ , ઇન્ડિયા રેટિંગ્સ બાદ એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ ભારતના ગ્રોથ આઉટલૂકમાં ઘટાડો કરતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર પર સંકટ છવાયેલું રહેશે તેવા એંધાણ મળી રહ્યાં છે. ચાર દાયકામાં પહેલીવાર ભારતીય અર્થતંત્રનો ગ્રોથરેટ આટલી હદે સંકોચાઇ રહ્યો છે. એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પ્રસારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા આકરા લોકડાઉનના કારણે અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. ૨૦૨૧માં એશિયાની ઈકોનોમીમાં તેજી આવશે અને ગ્રોથ રેટ ૬.૮ ટકા રહેશે તેવું અનુમાન રજૂ કરાયું હતું. અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરની પણ ગ્રોથ પર માઠી અસર થશે. એડીબીએ કહ્યું હતું કે ચીનનો ગ્રોથ રેટ ૨૦૨૦માં ૧.૮ ટકા અને ૨૦૨૧માં ૭.૭ ટકા રહી શકે છે.