નાઇજીરિયામાં હુમલાખોર એકલા હાથે 1800 કેદીને છોડાવી ગયો

April 07, 2021

નાઈજિરિયા : સાઉથઇસ્ટ નાઇજીરિયામાં એક હથિયારધારી હુમલાખોર એકલા હાથે ૧૮૦૦થી વધારે કેદી છોડાવી ગયો હોવાના અહેવાલો છે. સત્તાવાળાઓએ મંગળવારે જણાવ્યું હતું કે આ હુમલાખોરે જેલ પર વિસ્ફોટકો અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ ફેંક્યાં હતાં. નાઇજીરિયન પોલીસ અનુસાર હુમલાખોર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ, ઇન્ડિજિનિયસ પીપલ્સ ઓફ બાયાફ્રાનો આતંકી હતો અને તે ઓવેરિ શહેરમાં થયેલા હુમલા માટે જવાબદાર હતો. જો કે આ જૂથના પ્રવક્તાએ આ ઘટના સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે પ્રેસિડેન્ટ મોહમ્મદુ બુહારી દેશના સાઉથઇસ્ટ વિસ્તારોમાં અલગતાવાદી ચળવળના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં બાળકોનું શાળામાંથી અપહરણ કરવાના બનાવોમાં ઉછાળો આવ્યો છે અને ગલ્ફ ઓફ ગુઆનામાં ચાંચીયાગીરી પણ વધી ગઈ છે.

હુમલો કરનાર પ્રતિબંધિત જૂથ IPOBનો સભ્ય હોવાનો પોલીસનો દાવો
નાઇજીરિયાના ઇમો રાજ્યમાં ઓવેરી કસ્ટોડિયલ સેન્ટર પર એક અજાણ્યા હથિયારધારી હુમલાખોરે આક્રમણ કર્યું હતું અને કુલ ૧૮૪૪ કેદીઓને છોડાવી ગયો હતો. નાઇજીરિયન પોલીસ ફોર્સ માટેના પ્રવક્તા ફ્રાન્ક એમબીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જેલ પર હુમલો કરનાર પ્રતિબંધિત જૂથ ઇન્ડિજિનિયસ પીપલ્સ ઓફ બાયાફ્રા(IPOB)નો સભ્ય હતો. જો કે IPOB ના પ્રવક્તાએ સરકારના આરોપને ફગાવી દીધો હતો.

નાઇજીરિયાના સાઉથઇસ્ટમાં આવેલા બાયાફ્રાને આઝાદ કરવાની લડાઈ 
નોંધનીય છે કે IPOB ઇચ્છે છે કે નાઇજીરિયાની સાઉથઇસ્ટમાં આવેલા બાયાફ્રાને આઝાદી આપવામાં આવે. બાયાફ્રામાં નાઇજીરિયન સરકાર અને ચળવળકારો વચ્ચે ૧૯૬૭-૭૦ દરમિયાન ચાલેલી સિવિલ વોરમાં દસ લાખ લોકોના મોત થયાં હતાં. હાલમાં પણ દેશના સાઉથઇસ્ટ વિસ્તારોમાં ટેન્શન વધી રહ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સાઉથ પ્રાંતમાં ઘણા પોલીસ સ્ટેશન્સ પર પણ હુમલા થયા છે.