હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ; રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની શક્યતા

November 25, 2020

નવી દિલ્હી : ધીમે ધીમે કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. હિમાચલમાં ભારે હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ કરવામાં આવી છે. તેને લીધે મોટી સંખ્યામાં પર્યટકો ફસાઈ ગયા છે. આ હિમવર્ષાને લીધે પંજાબ તથા હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે.

હિમાચલના લાહોલ સ્પિતી અને કુલુમાં બુધવારે ભારે હિમવર્ષા થઈ હતી, જેને પગલે અટલ ટનલ રોહતાંગને બંધ કરવામાં આવી છે. તેને લીધે લાહોલ ઘાટીમાં અનેક પ્રવાસી વાહનો ફસાઈ ગયાં છે. ઘાટીની બહાર નીકળવા માટે તેમને ટનલ ખૂલે એ માટે રાહ જોવી પડશે. અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલ સિસુ તથા આજુબાજુનાં ક્ષેત્રોમાં 2 ફૂટથી વધારે બરફ જમા થઈ ગયો છે. ટનલના સાઉથ પોર્ટલમાં પણ 2 ફૂટથી વધારે હિમવર્ષા થઈ છે. ટનલના સાઉથ પોર્ટલમાં પણ 2 ફૂટથી વધારે બરફ જમા થઈ ગયો છે. આ સંજોગોમાં વાહનોનું પરિવહન સુરક્ષિત નથી.

માર્ગો પર પરિવહન સેવા શરૂ કરવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી લાહોલ ઘાટીમાં ફસાયેલા પર્યટકોને સુરક્ષિત મનાલી તરફ લાવવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં પર્યટકોને મનાલી તરફથી પલચાન સુધી જ મંજૂરી છે.

સમગ્ર હિમાચલ હિમવર્ષાને લીધે કોલ્ડવેવમાં છે. હવામાન વિભાગે શિમલા, કિન્નોર, કુલુ, લાહોલ-સ્પિતી તથા ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈ યલો એલર્ટ જારી કર્યું છે. મુખ્ય પર્યટન સ્થળો ખાતે તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. મનાલી, લાહોલ સ્પિતી-17, રોહતાંગ-7 અને કિન્નોરનું ન્યૂનતમ તાપમાન -12 ડીગ્રી થઈ ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનનાં ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રોમાં થઈ રહી છે. તેને લીધે જોધપુર, બિકાનેર વિસ્તારોનાં અનેક શહેરોમાં સામાન્ય વરસાદ પણ થયો છે. જયપુર, અજમેર ઝોનના અનેક જિલ્લામાં બુધવારે સવારે વાદળ છવાયેલાં રહ્યાં. જયપુરમાં મંગળવારે રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને આકાશ વાદળછાયું બની ગયું હતું. જોકે બુધવારે હવામાન સ્વચ્છ થઈ ગયું હતું.