બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો, ગોળીબારમાં ત્રણ વ્યક્તિનાં મોત

October 14, 2021

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થયો છે. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો. એ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગોમાં મંદિરો પર આ જ રીતે હુમલાઓની ખબરો આવી રહી છે.

બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે 13 ઓક્ટોબર, 2021નો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ છે. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુઓએ હવે પૂજા મંડપોની રક્ષા કરવી પડશે. આજે આખી દુનિયા મૌન છે. માતા દુર્ગા તમામ હિન્દુઓ પર આશીર્વાદ જાળવી રાખે, ક્યારેય માફ ન કરતા.

બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના પાસે માગ કરી છે કે હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે. કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો બાંગ્લાદેશના મુસલમાન નથી ઈચ્છતા તો હિન્દુ પૂજા નહિ કરે, પરંતુ હિન્દુઓને બચાવી લો. હુમલાઓ હજી પણ થઈ રહ્યા છે. પ્લીઝ, આર્મી મોકલાવો. અમે પૂજા મંડપોમાં બાંગ્લાદેશની આર્મી ઈચ્છીએ છે.