પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓનો પેરા મિલિટરી કેમ્પસ પર હુમલો, 6 પાકિસ્તાની સૈનિકોને ઢાળી દીધા

May 14, 2023

દિલ્હી- પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનની સરકાર સામે વિદ્રોહની આગ ભડકી રહી છે.
અહીંયા પાક સેના પર બલૂચ વિદ્રોહીઓ છાશવારે હુમલા કરતા આવ્યા છે અને લેટેસ્ટ ઘટનામાં પાકિસ્તાની સેનાના 6 જવાનોને બલૂચોએ ઢાળી દીધા છે. સામે પાકિસ્તાને પણ એટલા જ વિદ્રોહીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.
જોકે પાકિસ્તાની સેના માટે બલૂચિસ્તાનના વિદ્રોહીઓ હવે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. કારણકે આવા હુમલા છાશવારે થઈ રહ્યા છે અને તેના કારણે સમયાંતરે પાકિસ્તાની સેનાના જવાનો મોતને ભેટી રહ્યા છે.


મળતી વિગતો પ્રમાણે બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંતમાં સુરક્ષાદળો અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે તેમાં 6 જવાનો માર્યા ગયા હતા અને 6 વિદ્રોહીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા.
વિદ્રોહીઓએ મુસ્લિમ બાગ નામના વિસ્તારમાં આવેલા પેરા મિલિટરી ફોર્સના એક કેમ્પસને ટાર્ગેટ કર્યુ હતુ અને તેમાં કેટલાક લોકોને બંધક બનાવ્યા હોવાની જાણકારી પણ મળી હતી. એ પછી સેનાએ આ કેમ્પસને મુક્ત કરવા માટે લશ્કરી અભિયાન શરુ કર્યુ હતુ. શુક્રવાર સાંજથી શરુ થયેલુ ઓપરેશન શનિવારે સવાર સુધી ચાલ્યુ હતુ.


પાકિસ્તાની સેનાનુ કહેવુ હતુ કે, વિદ્રોહીઓ અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ હતા. આ તમામ 6 વિદ્રોહીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.