15 ઓગસ્ટે દેશમાં આતંકવાદી હુમલાની આશંકા: ઉદયપુર કાંડનો ઉલ્લેખ કરતા IBએ ચેતવ્યા

August 04, 2022

નવી દિલ્હી : ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે તૈયાર છે. આ દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને જોખમને લઈને ચેતવણી આપી છે અને સતર્ક રહેવા જણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બ્યુરો દ્વારા 10 પાનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબાથી લઈને ઉદયપુર અને અમરાવતી કાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

IBએ તેના રિપોર્ટમાં કટ્ટરપંથી જૂથો તરફથી જોખમની વાત કરી છે. તેમજ 15 ઓગસ્ટ માટે દિલ્હી પોલીસને લાલ કિલ્લામાં એન્ટ્રીને લઈને કડક નિયમો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. IBએ રિપોર્ટમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યાની વાત પણ સામેલ કરી છે. તાજેતરમાં દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પર ટ્રાફિકને લઈને એડવાઈઝરી પણ જાહેર કરી હતી.

ઉદયપુર અને અમરાવતીમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ પોલીસને કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળા વિસ્તારોમાં તેમની પ્રવૃત્તિઓ વિશે સતર્ક રહેવા જણાવ્યું છે. અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની ISI જૈશ અને લશ્કરના આતંકવાદીઓને મદદ આપીને આતંકવાદી ઘટનાઓને ઉશ્કેરી રહી છે. અહેવાલ પ્રમાણે આતંકવાદીઓને મોટા નેતાઓ અને મહત્વના સ્થળોને ટાર્ગેટ કરવાની સૂચના આપવામાં આવી છે.