સૂર્ય, બુધ અને શુક્રનો શુભ સંયોગ:ધન રાશિમાં બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ યોગ; 6 રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે, મકર જાતકોએ સાવધાન રહેવું

December 20, 2022

સૂર્યના ધન રાશિમાં આવી જવાથી બુધાદિત્ય યોગ બની ગયો છે. આ શુભ યોગ 28 ડિસેમ્બર સુધી રહેશે. પંડિતો પ્રમાણે બુધ અને સૂર્ય ગ્રહના એક રાશિમાં યુતિ કરવાથી બુધાદિત્ય યોગ બને છે. આ પહેલાં ધન રાશિમાં શુક્ર પણ હાજર છે, એટલે બુધ-શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ નામનો એક અન્ય શુભ યોગ બની રહ્યો છે. આ બે મોટા શુભ યોગ બનવાથી અનેક લોકોની જોબ અને બિઝનેસમાં મોટા ફેરફાર થશે, જે સુખદ પરિણામ આપી શકે છે.

ત્રણ ગ્રહનો શુભ સંયોગ બનવાથી મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલાઓ માટે પણ સમય શુભ કહી શકાય છે.

ત્રણ ગ્રહનો સંયોગ બનવાથી વૃષભ, મિથુન, સિંહ, કન્યા અને ધન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 5 રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે ત્યાં જ કામકાજમાં વિઘ્ન, તણાવ અને વિવાદ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્યના મામલે પરેશાની પણ થઈ શકે છે.

સૂર્ય, બુધ અને શુક્રના એક જ રાશિમાં આવી જવાથી મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું જોઈએ. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

સૂર્ય અને બુધની યુતિથી બની રહેલા બુધાદિત્ય શુભ યોગનો વધારે ફાયદો મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોને મળશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિની તક મળશે. ધનલાભ અને ફાયદો થઈ શકે છે. આ સિવાય કર્ક અને મીન રાશિના લોકો માટે પણ સમય શુભ રહેશે. આ બે ગ્રહોના પ્રભાવથી મોટી વહીવટી યોજનાઓ બનશે. એના ઉપર કામ થશે અને ફાયદો પણ મળશે. શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહી શકે છે.

જ્યારે બુધ અને શુક્ર એકસાથે આવે છે ત્યારે લક્ષ્મીનારાયણયોગ પણ બને છે. આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમાં બુધના પ્રભાવથી મોટી આર્થિક લેવડ-દેવડ, ખરીદી અને રોકાણ થાય છે. આ ગ્રહ બુદ્ધિને પ્રભાવિત કરે છે. ત્યાં જ શુક્ર એમાં સુખ અને લાભ વધારે છે. આ શુભ યોગના પ્રભાવથી આર્થિક ફાયદો, સૌભાગ્ય અને વૈભવ વધે છે. દેશની આર્થિક સ્થિતિ માટે આ બંને ગ્રહોની સ્થિતિ શુભફળ આપનારી રહેશે. આ શુભ યોગથી મોંઘવારી ઘટવાની શક્યતા પણ છે.