ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 19 રને હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ; બીલિંગ્સે કરિયરની પહેલી સદી મારી

September 12, 2020

માન્ચેસ્ટર : ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડને ત્રણ વનડે સીરિઝની પહેલી મેચમાં 19 રને હરાવ્યું. ઓઈન મોર્ગને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 294 રન બનાવ્યા, જવાબમાં ઇંગ્લિશ ટીમ 275 રન જ કરી શકી હતી.

રનચેઝમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોની બેરસ્ટો (84) અને સેમ બીલિંગ્સ (118*)એ પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. જોકે જોનીની ફિફટી અને સેમની મેડન સદી ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવવા પૂરતી નહોતી. બીલિંગ્સે 110 બોલની ઇનિંગ્સ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ મારી હતી. ઓસ્ટ્રેલિયા માટે 10 ઓવરમાં 26 રન આપીને જેસન રોય, જો રૂટ અને મોઇન અલીની વિકેટ ઝડપનાર જોશ હેઝલવુડ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે એડમ ઝામ્પાએ પણ 55 રન આપીને 4 શિકાર કર્યા હતા. ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.

અગાઉ મહેમાન ટીમની પણ શરૂઆત ખરાબ રહી હતી અને 43 રનમાં બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. તેમણે ગ્લેન મેક્સવેલ (77), મિચેલ માર્શ (73) અને માર્કસ સ્ટોઈનીસ (43)ના યોગદાન થકી ફર્સ્ટ ઇનિંગ્સમાં સારો સ્કોર કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડ અને જોફરા આર્ચરે 3-3, જ્યારે આદિલ રાશિદે 2 વિકેટ ઝડપી હતી. આરોન ફિન્ચની ટીમ 3 વનડેની સીરિઝમાં 1-0થી આગળ છે. બીજી વનડે 13 સપ્ટેમ્બરે માન્ચેસ્ટર ખાતે જ રમાશે.