ઓસ્ટ્રેલિયાને ત્રણ વર્ષમાં જ ચીન સાથે યુદ્ધ કરવા તૈયાર થવાની ચેતવણી અપાઈ

March 13, 2023

ઓસ્ટ્રેલિયામાં પ્રકાશિત બે મુખ્ય અખબારોએ જારી કરેલા સંયુક્ત અહેવાલે વડાપ્રધાન અલ્બાનીઝની સરકારને ચીન સાથે યુદ્ધ માટે તૈયાર રહેવા સલાહ આપી છે. ધ સિડની મૉર્નિંગ હેરાલ્ડ અને ધ એજના અહેવાલમાં પ્રકાશિત અહેવાલને રેડ એલર્ટ નામ આપ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ આવતા ત્રણ વર્ષોમાં ચીન સાથે યુદ્ધ કરવા તૈયારી કરી લેવી જોઇએ.

પાંચ જાણીતા સુરક્ષા નિષ્ણાતો સાથે વાતચીત કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં એલન ફિંકેલ, પીટર જેનિંગ્સ, લાવિના લી,મિક રાયન અને લેસ્લી સીબેકના નામનો સમાવેશ થાય છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાઇવાન-ચીન સંઘર્ષ થવાની સંભાવના ઓસ્ટ્રેલિયાના નાગરિકો જેટલું વિચારે છે તેના કરતાં વધુ છે. તેનો પ્રભાવ ઓસ્ટ્રેલિયા પર પણ પડી શકે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા અમેરિકા સાથે ગઠબંધન ધરાવતું હોવાથી યુદ્ધથી મોઢું ફેરવવું પણ મુશ્કેલ છે.