ટી 20 વિશ્વકપ પહેલાં ભારતના પ્રવાસે આવશે ઓસ્ટ્રેલિયા ! સપ્ટેમ્બરમાં રમાઈ શકે ટી20 સિરીઝ

May 10, 2022

દિલ્હીઃ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 વિશ્વકપ રમાવાનો છે. આ પહેલાં ક્રિકેટ ચાહકોને એક રસપ્રદ સિરીઝ જોવા મળી શકે છે. વિશ્વકપ માટે રવાના થતાં પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઈ શકે છે. 


ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ પ્રમાણે- ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસ પર ત્રણ ટી20 મેચ રમશે અને આ સાથે ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત ઓવર્સની સિરીઝની યજમાની કરશે.

 
જો આ પ્રવાસ નક્કી થયો તો આઈપીએલ બાદ અને ટી20 વિશ્વકપ પહેલાં આ ભારતની ચોથી ટી20 સિરીઝ હશે. આઈપીએલ પૂર્ણ થયા બાદ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે અને બંને ટીમો વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાશે. આ સિરીઝ 9થી 19 જૂન વચ્ચે રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે બે ટી20 મેચ રમશે.