યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ ઓસ્ટ્રેલિયન કોર્ટનો ગૂગલને રૂ. ૩૪૦ કરોડનો દંડ

August 13, 2022

ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર વોચડોગ કમિશને ૨૦૧૯માં અમેરિકન મલ્ટિનેશનલ કંપની ગૂગલ સામે યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ કેસ દાખલ કર્યો હતો. એ કેસમાં ઓસ્ટ્રેલિયન કોર્ટે ગૂગલને અંદાજે ૩૪૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલે એ રકમ આપવાની તૈયારી બતાવી છે. કેસ લોકેશન સેટિંગ્સને લગતો હતો.
ઓસ્ટ્રેલિયામાં ગૂગલે ૨૦૧૭ અને ૨૦૧૮માં યુઝર્સના લોકેશન્સની વિગતો અન્ય એપ્સના માધ્યમથી મેળવી હતી. એક તરફ ગૂગલનું કહેવું હતું કે લોકેશન હિસ્ટ્રી સેટિંગ્સ યુઝર્સના મોબાઈલમાં લોકેશન જાણવાનો એક માત્ર વિકલ્પ છે. બીજી તરફ વેબ અને એપ્લિકેશન્સ પર નજર રાખતા ફિચરના માધ્યમથી પણ ગૂગલે ૧૩ લાખ યુઝર્સના લોકેશન્સની વિગતો મેળવી હતી. ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર વોચડોગ કમિશનના ધ્યાનમાં આ બાબત આવી હતી. ગૂગલે ૨૦૧૮ના અંતે એમાં ફેરફાર કરી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં અસંખ્ય યુઝર્સ ગેરમાર્ગે દોરવાયા હતા.
ગૂગલ સામે એ પછી કોર્ટમાં કેસ થયો હતો. ૨૦૧૯થી ચાલતા એ કેસનો ચુકાદો આવ્યો હતો. કોર્ટે ગૂગલને ૩૪૦ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. ગૂગલના ઓસ્ટ્રેલિયા સ્થિત અધિકારીઓએ આ રકમ આપવાની તૈયારી બતાવી હતી. ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન કમિશનના નિયામકે કહ્યું હતું કે ૨૦૧૮ પછી ગૂગલે તેની કામ કરવાની પદ્ધતિ દેશમાં બદલી હતી, પરંતુ એ પહેલાં ગૂગલે લોકેશન હિસ્ટ્રીનો જે દાવો કર્યો હતો એ જૂઠો સાબિત થયો હતો. લોકેશન હિસ્ટ્રી સેટિંગ્સ એન્ડ્રોઈડ ફોનમાં બંધ હોવાથી યુઝર્સે માની લીધું હતું કે તેમનું લોકેશન ગુપ્ત રહે છે, હકીકતે ગૂગલે એ લોકેશનનો ડેટા એકઠો કર્યો હતો. અસંખ્ય યુઝર્સ ગેરમાર્ગે દોરવાયા હોવાથી ગૂગલ સામે દંડ થવો જોઈએ એવી માગણી ઓસ્ટ્રેલિયન કન્ઝ્યૂમર વોચડોગે કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી.