ઓસ્ટ્રેલિયન ઓપન : રાફા અને જોકોવિક ફેવરિટ હશે

January 20, 2020

નવીદિલ્હી : વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આગામી સપ્તાહમાં શરૃઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ડ્રોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. નંબર વન ખેલાડી રાફેલ નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં બોલિવિયાના ખેલાડી સામે ટકરાશે જે તેના માટે સરળ મેચ રહેશે જ્યારે મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ૨૪મી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ડ્રોની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે, સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના ૨૦ ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે. આ સરફેસ ઉપર રોજર ફેડરર અને નડાલને ફેવરિટ તરીકે ગણવામાં આવે છે. ૨૦૦૯માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ ૮મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ૨૦૧૯માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. ૩૭ વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે. પુરુષોના ડ્રોની જાહેરાત કરી દેવામાં આવી છે. રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. ૨૦૧૮માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે ૨૪ ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે. બીજી બાજુ રોજર ફેડરરે કહ્યું છે કે, તેના રેકોર્ડને તોડવામાં નડાલ અને જોકોવિક સક્ષમ રહેલા છે. આ બંને ખેલાડીઓ હાલમાં જે રીતે રમી રહ્યા છે તે જોતા ચેમ્પિયન બનવાની સાથે સાથે તેના કરતા વધારે ગ્રાન્ડસ્લેમ જીતી શકે છે. એટીપી રેંકિંગમાં હાલમાં નડાલ પ્રથમ સ્થાને છે જ્યારે જોકોવિક બીજા સ્થાને છે. જોકોવિકે છેલ્લે વિમ્બલ્ડનમાં રોજર ફેડરર સામે જીત મેળવી હતી.