ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50ને પાર, ટીમ ઈન્ડિયાના બોલરોને વિકેટની તલાસ

March 01, 2023

ઈન્દોર: ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50ને પાર થઈ ગયો છે, ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનની જોડી ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગઈ છે. ભારત અત્યાર સુધી માત્ર એક જ વિકેટ લઈ શક્યું છે. ટીમ ઈન્ડિયાના બોલરોને એક વિકેટની તલાસ છે. ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પહેલી ઈનિંગની શરુઆત થઈ ગઈ છે. રવિનદ્ર જાડેજાનો જાદુ ફરી ચાલ્યો છે અને ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડને 9 રન પર આઉટ કરતાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 12 રનમાં એક વિકેટે થઈ ગયો છે.
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 109 રનમાં સમેટાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ સામે ટીમ ઈન્ડિયા કંઈ કરી શકી ન હતી અને બધા દિગ્ગજો નિષ્ફળ રહ્યા હતા. ભારત માટે વિરાટ કોહલીએ આ ઇનિંગમાં સૌથી વધુ 22 કર્યા હતા. અંતમાં ઉમેશ યાદવે 17 રન બનાવીને ટીમ ઈન્ડિયાને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી. લંચ સુધીમાં ભારતે સાત વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે. હાલમાં રવિચંદ્રન અશ્વિન એક રન અને અક્ષર પટેલ છ રન પર બેટિંગ કરી રહ્યા છે. આજે મેચની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના બોલરોએ તરખાટ મચાવી દીધો હતો. ખાસ કરીને ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના સ્પિનરોને રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈનિંગની પહેલી જ ઓવરમાં રોહિત શર્માને મિચેલ સ્ટાર્કના બોલ પર બે જીવનદાન મળ્યા હતા. તે આનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને રોહિત 12 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિકેટોનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને કે. એલ રાહુલની જગ્યાએ રમતા શુભમન ગિલ 18 બોલમાં 21 રન બનાવી કેચ આઉટ થયો હતો. આ પછી ચેતેશ્વર પૂજારા એક રન બનાવીને આઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજાએ ચાર રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર ખાતું પણ ખોલી શક્યો ન હતો. વિરાટ કોહલી 22 રન બનાવી જ્યારે શ્રીકર ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ડાબોડી સ્પિનરો મેથ્યુ કુહનેમેન અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કુહનેમેને રોહિત, શુભમન અને શ્રેયસને આઉટ કર્યા હતા. આ સાથે જ લિયોને પુજારા, જાડેજા અને ભરતને પેવેલિયન મોકલી દીધા હતા. કોહલીને ટોડ મર્ફીએ આઉટ કર્યો હતો.