બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ

March 21, 2023

લંડન- 19 માર્ચે ખાલિસ્તાની બદમાશોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હાઈ કમિશનની બહાર ભારે હોબાળો થયો હતો અને અહીં ભારતીય તિરંગાનું અપમાન કરાયું હતું. ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાની જગ્યાએ પોતાનો પીળા રંગનો ધ્વજ લગાવી દીધો હતો.

અહેવાલો મુજબ, આ સમગ્ર ઘટના પાછળ અવતાર સિંહ ખાંડાનો હાથ છે અને આ મામલે લંડન પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ખાંડાએ હાઈ કમિશનના પહેલા માળે લગાવેલા ભારતીય ત્રિરંગો નિકાળી નીચે ફેંકી દીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, ખાંડાએ જ વારિસ પંજાબ-દેના ચીફ અમૃતપાલ સિંહને ટ્રેનિંગ આપી હતી, જેની તપાસમાં પોલીસ આમ-તેમ દોડી રહી છે. અવતાર સિંહ ખાંડા ખૂબ જ ખતરનાક છે. અવતાર ખાલિસ્તાની લિબરેશન ફોર્સ સાથે સંકળાયેલા કુલવંત સિંહ ખુખરાનાનો પુત્ર છે.


સૂત્રોનું માનીએ તો ખાંડા અમૃતપાલનો હેન્ડલર છે અને તેણે અમૃતપાલને મિશન ખાલિસ્તાન માટે ટ્રેનિંગ આપી છે. રવિવારે એક ખતરનાક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ખાલિસ્તાન ઝિંદાબાદના સૂત્રો સાથે કેટલાક લોકો હાઈ કમિશનના પહેલા માળે પહોંચી જાય છે, આમાંથી એક વ્યક્તિ ભારતીય તિરંગાને ઉતારીને નીચે ફેંકી દે છે. અવતાર સિંહ ખાંડાનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે કનેક્શન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 


બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી.