ઇટાવામાં ભયાનક માર્ગ અકસ્માત, ડીસીએમ પલટી ખાઇ જતા 11 લોકોનાં મોત, 41 ઇજાગ્રસ્ત

April 10, 2021

ઉત્તર પ્રદેશના ઈટાવામાં શનિવારે એક ટ્રક ખાડામાં પડતાં તેમાં મુસાફરી કરી રહેલાં 11 લોકોના મોત થયા છે. આ ભીષણ ઘટનામાં 41થી વધુ લોકોને ગંભીર ઇજા પણ થઇ છે. આ ઘટના પર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘટનામાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિની કામના કરતા શોક સંતપ્ત પરિજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ કરવાની ઘોષણા પણ કરી છે.


ઘટનાની જાણ થતા જ પોલીસે ગ્રામીણોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને બહાર નિકાળ્યા હતા. આ ઘટનામાં 11 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. જ્યારે 41 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.


સૂત્રો અનુસાર, બારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ટ્રકમાં 60થી 70 લોકો મુસાફરી કરી રહ્યા હતાં. હાલમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત નાજુક છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારે સારવાર માટે વધારે સાધનો ધરાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.


આગરા નિવાસી વીરેન્દ્ર સિંહ બધેલના ઘર પર છ મહિના પહેલા પુત્રનો જન્મ થયો હતો. દીકરાના જન્મની ખુશીમાં માનતા પૂર્ણ થતા પરિવાર અને સંબંધીઓ સાથે લખના સ્થિત કાળકા મંદિરમાં ધજા ચઢાવવા માટે તમામ લોક નિકળ્યા હતા અને રસ્તામાં તેમનું એક્સિડન્ટ થયુ હતું.