આયુષી હત્યા કેસ: પિતાએ ધરબી ગોળીઓ, માતાએ લાશ ફેંકવામાં મદદ કરી

November 22, 2022

આયુષી યાદવ હત્યા કેસનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પિતાએ જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં માતા પણ હાજર હતી. કારણ એ હતું કે આયુષીએ પરિવારની સંમતિ વિના અન્ય જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કર્યા હતા. સાથે જ તેણી સાસરિયાના ઘરે રહેવાને બદલે તેના મામાના ઘરે રહેતી હતી. જેના કારણે ઘરમાં તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો હતો.

ઓનર કિલિંગ કેસનો ભેદ ઉકેલતી વખતે પોલીસે જણાવ્યું કે મૃતક આયુષીના માતા-પિતા બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ગુનામાં વપરાયેલી કાર અને હથિયાર પણ મળી આવ્યા છે.

મથુરાના પોલીસ અધિક્ષક માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું કે, આયુષી પુખ્ત વયની હતી અને તેણે તેના પરિવારના સભ્યોની પરવાનગી વગર છત્રપાલ નામના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા અને તેના કારણે તેનો પરિવાર નાખુશ હતો. આ ઉપરાંત તે અવારનવાર તેના માતા-પિતાને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતી હતી. આટલું જ નહીં, તેણી પરિણીત હતી, પરંતુ તે તેના માતાપિતા સાથે દિલ્હીમાં રહેતી હતી.