શિવસેના કાર્યાલયમાં એકનાથ શિંદેની તસવીર લગાવતા બબાલ

August 02, 2022

મુંબઈઃ શિવસેના પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે અને હિંસક થઈ રહી છે. ડોંબિવલીમાં મંગળવારે આવો નજારો જોવા મળ્યો, જ્યારે એકનાથ શિંદે જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે આ લોકો શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા અને એકનાથ શિંદે તથા સાંસદ શ્રીકાંત શિંદેની તસવીર લગાવી દીધી. તેના કારણે તણાવ ફેલાયો હતો. ઉદ્ધવ ઠાકરેના સમર્થક પણ સ્થળ પર પહોંચ્યા અને ઘર્ષણ પણ થઈ ગયું હતું. 


હાલ શિવસેના પર હકની લડાઈ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ તેની પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ રોડ પર ઉતરવાથી તણાવ વધી ગયો છે. એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે, આનંદ દિધે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો હતી. 


તેના કારણે શિવસૈનિકો અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો. નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 40ને પોતાની સાથે લઈ ભાજપ સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના 12 જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે