બજાજ ઓટો નવેમ્બરમાં હીરો મોટોકોર્પને પાછળ રાખી ટોચની બાઇક કંપની બની

December 03, 2021

વિશ્વમાં સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં જોવા મળી રહેલા ઢાંચાકીય ફેરફાર વચ્ચે કેટલાંક મહત્ત્વના સમીકરણ બદલાઈ રહ્યાં છે. જેમાં દેશની બે ટોચની મોટરસાઈકલ ઉત્પાદક કંપનીઓના ક્રમમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લાં અનેક વર્ષોથી દેશમાં બાઈકના વેચાણમાં ટોચના ક્રમે જોવા મળતી હીરો મોટોકોર્પને નવેમ્બર મહિનામાં બજાજ ઓટોએ પાછળ રાખી દીધી છે.

પૂણે સ્થિત બજાજ ઓટોએ નવેમ્બર મહિનામાં સ્થાનિક બજાર તથા નિકાસ સહિત કુલ 3,37,962 યુનિટ્સ મોટરસાઈકલ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જેની સામે હીરો મોટોકોર્પનું વેચાણ 3,29,185 યુનિટ્સનું રહ્યું હતું.

જો સ્થાનિક બજારમાં વેચાણની વાત કરીએ તો હજુ પણ હીરો મોટોકોર્પ ટોચની કંપની છે. જોકે કુલ મોટરસાઈકલ વેચાણની વાત કરીએ તો રાજીવ બજાજની આગેવાની હેઠળની કંપનીએ તેની કટ્ટર હરીફ્ કંપનીને પાછળ રાખી દીધી હતી. નવેમ્બર મહિનામાં હીરો મોટોકોર્પે સ્થાનિક બજારમાં કુલ 3,08,654 યુનિટ્સ બાઈક્સનું વેચાણ કર્યું હતું. જેની સામે બજાજે 1,44,953 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.

જોકે નિકાસ બજારમાં બજાજનો દેખાવ સારો રહેતાં તેણે નવેમ્બરમાં કુલ બાઈક વેચાણમાં હીરો મોટોકોર્પને પાછળ રાખી દીધી હતી. આ અગાઉ એપ્રિલ અને મે 2020માં કોવિડ લોકડાઉનના સમયે બજાજે હીરો મોટોકોર્પ કરતાં વધુ બાઈક્સનું વેચાણ કર્યું હતું. તે વખતે સ્થાનિક ઉત્પાદન અને વેચાણ પર અસર પડી હતી. જોકે નાના પ્રમાણમાં નિકાસ કામગીરી જળવાઈ હતી.

નવેમ્બરમાં દેશમાં સૌથી મોટા મોટરસાઈકલ ઉત્પાદક હીરો મોટોકોર્પે કુલ ઉત્પાદનના 57 ટકા હિસ્સાને નિકાસ કર્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં તેના 23 ટકા વેચાણ ઘટાડાને સરભર કરવામાં સહાયતા મળી હતી. બીજી બાજુ સ્થાનિક બજાર પર વધુ પડતા અવલંબન તેમજ ઘરેલુ બજારમાં ઘણા વર્ષો બાદ જોવા મળી રહેલી મંદીને કારણે હીરો મોટોકોર્પના નવેમ્બર વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.