બાંદીપોરા ટક્કર: ત્રણ આતંકીઓ ઠાર અલ્તાફ બાબાનો કાંટો ય નીકળી ગયો

July 25, 2021

ભારતીય સૈન્ય, સીઆરપીએફ તથા રાષ્ટ્રીય રાઇફલ્સનું સંયુક્ત અભિયાન
શ્રીનગર- જમ્મુ-કાશ્મિરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ આતંકીના મોત થયા છે, જેમાં આતંકી શાકિર અલ્તાફ બાબા પણ સામેલ છે. એ 2018માં અટારી-વાઘા સરહદેથી પાકિસ્તાન ગયો હતો. 
પોલીસને શનિવારે સવારે જિલ્લાના સુમલર વિસ્તારના શોકબાબા જંગલ ક્ષેત્રમાં આતંકીઓનું એક મોટું જૂથ હોવાની માહિતી મળી. આના આધારે જમ્મુ-કાશ્મિર પોલીસે લશ્કરની 13 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર), સીઆરપીએફ તથા લશ્કરની ચુનંદા અર્ધલશ્કરી દળ માર્કોસના જવાનોએ સંયુક્ત શોધ ઝુંબેશ શરૂ કરી.
સુરક્ષા દળોએ જંગલ વિસ્તાર હોવાથી પૂરી સતર્કતાની સાથે શોધ ઝુંબેશ શરૂ કરી. ત્યાં જ એક સ્થળે છૂપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યા. જવાનોએ પણ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. અહીં પાંચ આતંકીઓનું એક જૂથ છૂપાયું હતું, જેમાં એક સ્થાનિક, જ્યારે અન્ય ચાર આતંકી પાકિસ્તાનના હતા, જે લશ્કર-એ- તોઇબા સાથે સંડોવાયો હતો.