બાંગ્લાદેશની સ્થિતિને કારણે ICCની ચિંતા વધી, આ મેજર ટૂર્નામેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ કરી શકે

August 06, 2024

બાંગ્લાદેશમાં વણસેલી ત્યાંની આતંરિક સુરક્ષાએ ICCની પણ ચિંતા વધારી દીધી છે. અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન ઢાકા છોડીને ભારત આવી ગયા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હવે સેના દ્વારા વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. શેખ હસીનાના રાજીનામા બાદ ત્યાં જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં બાંગ્લાદેશમાં ત્યાંની સેનાએ વચગાળાની સત્તા સંભાળી છે પરંતુ ICC ત્યાં 2 મહિના બાદ યોજાનારી મહિલા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 અંગે બાંગ્લાદેશમાં વણસેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ICC બોર્ડના એક સભ્યએ એક નિવેદનમાં કહ્યું કે, ICC બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી), તેમની સુરક્ષા એજન્સીઓ અને અમારા પોતાના સ્વતંત્ર સુરક્ષા સલાહકારો સાથે સતત સંપર્કમાં છે અને આ સમગ્ર ઘટનાક્રમ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. અમારી પ્રાથમિકતા તમામ ખેલાડીઓની સુરક્ષા છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ 7 અઠવાડિયા બાકી છે, તેથી તેને શિફ્ટ કરવા અંગે કોઈ નિવેદન આપવું એ ઘણું વહેલું બની શકે છે.  એક તરફ જ્યાં ICC હજુ પણ બાંગ્લાદેશમાં વણસેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે તો બીજી તરફ એક અહેવાલ પ્રમાણે ICC મહિલા T20 વર્લ્ડ કપને કોઈ બીજા સ્થળે આયોજન કરવા માટેના બેકઅપ તરીકે ભારત, શ્રીલંકા અથવા UAEને પણ પસંદ કરી શકે છે. બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપની મેચો ઢાકા અને સિલ્હટમાં આયોજિત થવાની છે, જેમાં પ્રથમ મેચ 2 ઓક્ટોબરે રમાશે જ્યારે ફાઈનલ મેચ 20 ઓક્ટોબરના રોજ ઢાકાના શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.