Banking Amendment Bill: સંસદમાં મળી મંજૂરી, ગ્રાહક પર શું થશે અસર?

September 22, 2020

બેંકિંગ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે બેંકિંગ રેગ્યુલેશન બિલ(Banking Regulation Amendment Bill 2020) ને લોકસભા બાદ રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આ નવા કાયદા હેઠળ દેશમાં સહકારી બેંકો હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના સુપરવિઝનમાં કામ કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવા કાયદા હેઠળ સહકારી બેંકો(Co-operative Banks)ને આરબીઆઈ હેઠળ લાવવામાં આવશે. જેથી બેંકોમાં લોકોની જમા મૂડીની સુરક્ષા વધુ યોગ્ય રીતે કરી શકાશે. આપને જણાવી દઈએ કે દેશમાં સહકારી બેંકોની કથડી રહેલી નાણાકીય સ્થિતિ અને ગડબડીના મામલા સતત સામે આવતા કેન્દ્ર સરકારે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારા કરવાનો નિર્ણય કર્યો હતો.

હવે શું થશે?

માહિતી મુજબ આ પહેલા કેન્દ્ર સરકારે સહકારી બેંકોને આરબીઆઈ હેઠળ લાવવા માટે જૂન મહિનામાં એક વટહુકમ બહાર પાડ્યો હતો. હવે નવો કાયદો આ વટહુકમની જગ્યા લેશે. હવે દેશની 1,482 અર્બન અને 58 મલ્ટીસ્ટેટ કોપરેટિવ બેંકો આરબીઆઈ હેઠળ કામ કરશે. આ કાયદા દ્વારા આરબીઆઈને કોઈપણ બેંકના પુનર્ગઠન અથવા મર્જરનો નિર્ણય લેવાની શક્તિ મળશે. આ માટે, તેમણે બેંકિંગ ટ્રાન્ઝેક્શનને મોરેટોરિયમમાં રાખવાની જરૂરત નહીં પડે. આ સિવાય આરબીઆઈ જો બેંક પર મોરેટોરિયમ લાગૂ કરે તો પછી કોપરેટિવ બેંક કોઈ લોન ઇશ્યૂ નહીં કરી શકે અને તેમજ કોઈ પણ જમા મૂડીનું રોકાણ કરી શકશે નહીં.

 


આ સિવાય થાપણદારોના હિતોની સુરક્ષા માટે બેંક કોઈપણ મલ્ટિસ્ટેટ સહકારી બેંકના ડિરેક્ટર બોર્ડને ભંગ કરી શકે છે અને કમાન પોતાના હાથમાં લઈ શકે છે. એટલું જ નહીં, જો આરબીઆઈ ઇચ્છે તો તે આ નિયમોથી અલગ અમુક છૂટ નોટિફિકેશન ઇશ્યૂ કરી શકે છે. આ છૂટ નોકરી, બોર્ડ ડિરેક્ટરની લાયકાતના નિયમો અને અધ્યક્ષની નિમણૂક જેવા કિસ્સાઓમાં આપી શકાય છે. ઉપરાંત, મીડિયા રિપોર્ટ મુજબ હવે જો કોઈ બેંક ડિફોલ્ટ થાય છે, તો બેંકમાં જમા 5 લાખ રૂપિયા સુધીની રકમ સંપૂર્ણ સલામત રહેશે.