બેંકોમાં ગયા વર્ષે 60,414 કરોડના મૂલ્યના 9103 ફ્રોડ કેસ નોંધાયા : RBI

May 28, 2022

બેંક રેગ્યુલેટર આરબીઆઈએ નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ ગયા નાણાકીય વર્ષમાં દેશમાં બેક છેતરપિંડીની સંખ્યા અગાઉના વર્ષ કરતાં ઊંચી જોવા મળી હતી. જોકે ફ્રોડ્સમાં સંડોવાયેલી રકમનું કદ વાર્ષિક ધોરણે 50 ટકા ઘટાડો દર્શાવતું હતું.

2021-22માં દેશની બેંક્સે કુલ રૂ. 60,414 કરોડના મૂલ્યના ફ્રોડ્સ નોંધ્યાં હતાં. જે અગાઉના નાણાં વર્ષ 2020-21માં 56.28 ટકા નીચે રૂ. 1.38 લાખ કરોડ પર હતાં. ફ્રોડ્સની સંખ્યાની વાત કરીએ તો બેંકોએ 2021-22માં કુલ 9103 ફ્રોડ્સ નોંધાવ્યાં હતાં. જે 2021-21માં જોવા મળેલા 7359 ફ્રોડ્સની સરખામણીમાં 23.69 ટકા વધુ હતાં. આરબીઆઈ ડેટાએ રૂ. એક લાખ કે તેનાથી વધુ રકમના ફ્રોડ્સને જ આ અભ્યાસમાં ગણનામાં લીધા હતા.

સેન્ટ્રલ બેંકરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે જો છેલ્લા ત્રણ વર્ષોના ફ્રોડ કેસિસનો ગ્રૂપ-વાઈસ અભ્યાસ કરીએ તો જણાય છે કે પ્રાઈવેટ સેક્ટર બેંક્સ તરફ્થી મહત્તમ સંખ્યામાં ફ્રોડ્સ નોંધવામાં આવી રહ્યાં છે. જ્યારે ફ્રોડની રકમનો સવાલ છે તો જાહેર ક્ષેત્રની બેંક્સનું યોગદાન ઊંચું છે.

બંને જૂથની બેંક્સ તરફ્થી નોંધવામાં આવતાં ફ્રોડના પ્રકાર પણ અલગ છે. જેમકે ખાનગી બેંકિંગ કંપનીઓમાં આચરાતાં ફ્રોડ્સ મુખ્યત્વે સ્મોલ વેલ્યૂ કાર્ડ અથવા ઈન્ટરનેટ ફ્રોડ્સ હોય છે. જ્યારે પીએસયૂ બેંક્સ સાથે બનતી ઘટનાઓમાં લોન પોર્ટફેલિયોની સંડોવણી વધુ હોય છે. એટલે કે લોન લઈને નાદારી નોંધાવવાના કિસ્સા ઊંચા જોવા મળે છે. લોન પોર્ટફેલિયોમાં સંખ્યાની તેમજ વેલ્યૂ, બંનેની રીતે ફ્રોડ્સ કરાય છે.