ઇન્ટરનેટ નાગરિકોનો મૂળભૂત બંધારણીય અધિકાર : સુપ્રીમ

January 11, 2020

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ પરના તમામ નિયંત્રણોની એક સપ્તાહમાં સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટથી ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. જસ્ટિસ રામન્નાના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ પર હંગામી પ્રતિબંધ અને નાગરિકોની મૂળભૂત આઝાદી છીનવી લેવાનો નિર્ણય પક્ષપાતી હોવો જોઇએ નહીં. ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ ચોક્કસ સમયમર્યાદા માટે જ હોવો જોઇએ. તેની ન્યાયિક સમીક્ષા થઇ શકે છે. અદાલતે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની આઝાદી બંધારણના આર્ટિકલ ૧૯(૧) અંતર્ગત મૂળભૂત અધિકાર છે. આ જોગવાઇ ભારતના નાગરિકોને વાણી સ્વાતંત્ર્ય અને ઇન્ટરનેટ દ્વારા વેપાર અને વાણિજ્યનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, સીઆરપીસીની ધારા ૧૪૪ અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશોને નાગરિકોની કાયદેસરની અભિવ્યક્તિ દબાવી દેવાનું સાધન બનાવી શકાય નહીં. અદાલતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોને ધારા અંતર્ગત અપાયેલા તમામ આદેશ જાહેર કરવા જણાવ્યું હતું જેથી અસરગ્રસ્ત વ્યક્તિઓ દ્વારા તેને પડકાર આપી શકાય.

જસ્ટિસ રામન્નાએ ચુકાદામાં જણાવ્યું હતું કે, ધારા ૧૪૪ અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશો જારી કરતી વખતે મેજિસ્ટ્રેટોએ નાગરિકોની આઝાદી અને સુરક્ષા પર તોળાતા ભય વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. કારણો વિનાના પ્રતિબંધાત્મક આદેશો નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે નાગરિકોની સ્વતંત્રતા અને સુરક્ષાને સંબંધિત સંતુલન ચકાસવા માગીએ છીએ. અમે અહીં નાગરિકોને અપાયેલા અધિકારો સુનિશ્ચિત કરવા બેઠાં છીએ. અમે સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો પાછળના રાજકીય હેતુઓમાં પડવા માગતા નથી.