સંજૂ સેમસનને બીસીસીઆઈએ બનાવ્યો ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન

September 16, 2022

દિલ્હીઃ ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં સંજૂ સેમસનને સ્થાન ન મળતા તેના ફેન્સ નારાજ હતા. પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડે સંજૂ સેમસનને એક નવી જવાબદારી સોંપી છે. ન્યૂઝીલેન્ડ એ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ 22 સપ્ટેમ્બરથી રમાવાની છે. આ સિરીઝ માટે ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સંજૂ સેમસનને બનાવવામાં આવ્યો છે. વિશ્વકપની ટીમમાંથી બહાર રહેલા સંજૂ માટે આ ખુશીના સમાચાર છે. 

22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ સિરીઝની તમામ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22, બીજી મેચ 25 અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. ઈન્ડિયા એમાં પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને તક આપવામાં આવી છે. 


- ઈન્ડિયા એ ટીમ
પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, રુતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટિદાર, સંજૂ સેમસન (કેપ્ટન), કેએસ ભરત, કુલદીપ યાદવ, શાહબાઝ નદીમ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંદગ બાવા.