વર્લ્ડકપ માટે 6 ઓક્ટોબરે રવાના થશે ટીમ ઇન્ડિયા, 4 ખેલાડીનો ખર્ચ ઉઠાવશે BCCI

September 18, 2022

દિલ્હી: ટી-20 વર્લ્ડકપ માટે હવે માત્ર થોડો સમય જ બાકી છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે પોતાની સ્ક્વોર્ડની જાહેરાત કરી દીધી છે. અને હવે મિશન વર્લ્ડકપની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાને હજુ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરના ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.

4 ઓક્ટોબરના સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ પૂરી થશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ માટે રવાના થશે. ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ પ્લેયર્સ સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝનો ભાગ નહીં હોય, એવામાં તેમની પાસે જલ્દી ઓસ્ટ્રેલિયા પહોંચવાની તક હશે. રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઇન્ડિયાની સાથે જ સ્ટેન્ડ બાય પ્લેયર્સ પણ ઓસ્ટ્રેલિયા રવાના થશે. જેમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર સામેલ છે.

આઇસીસીના ટૂર્નામેન્ટમાં આઇસીસી દ્વારા જ ટીમોને ટ્રાવેલ બેનિફિટ આપવામાં આવે છે. એવામાં ભારતના 15 ખેલાડીઓને સ્ક્વોર્ડમાં આ તક મળશે. એટલે કે રિઝર્વના ચાર પ્લેયર છે તેમને બીસીસીઆઇ પોતાના ખર્ચા પર લઈ જઈ રહી છે અને તેમના રહેવાની વ્યવસ્થા પોતે કરશે. ટીમ મેનેજમેન્ટે જ સ્ટેન્ડબાય પ્લેયર્સની બાકી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલવા માટે બીસીસીઆઇને કહ્યું છે. જેથી પ્રેક્ટિસ સેશન, વાર્મઅપ મેચ દરમિયાન જો કોઈ ખેલાડીને કોઈ તકલીફ થાય છે, તો તરત સ્ટેન્ડબાય પ્લેયર્સને ટીમ સાથે જોડી શકાય છે.