ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી

January 31, 2023

બીટને એક હેલ્ધી સુપરફૂડ માનવામાં આવે છે. જે પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. બીટ ખાવાથી તમારા શરીરમાં લોહીની ખામીને પૂરી કરવામાં મદદ મળે છે. આ સિવાય તેના સેવનથી બ્લડ પ્રેશર અને શુગર કંટ્રોલમાં બેલેન્સ કરવામાં રાહત મળે છે. તેના સેવનથી તમે શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકો છો. બીટને લોકો ખાસ કરીને જ્યૂસ, શાક કે સલાડના રૂપમાં ઉપયોગમાં લે છે. પણ શું તમે ક્યારેય તેની ટિક્કી બનાવી છે. નહીં ને.. તો તમે આ ટિક્કીને તમારા બ્રેકફાસ્ટમાં સામેલ કરી લો. તે પૌષ્ટિક હોવાની સાથે સાથે તેને બનાવવામાં ઓછો સમય લાગે છે. તો જાણો તેને બનાવવાની રીત.

સામગ્રી
1/2 ચમચી હળદર
2 નંગ બારીક સુધારેલા લીલા મરચા
1 ડુંગળી બારીક સુધારેલી
2 મીડિયમ સાઈઝના બટાકા
તળવા માટે તેલ
2 મીડિયમ સાઈઝના બીટ
1 ચમચી લાલ મરચું
અડધો કર બ્રેડનો ભૂકો
1 ચમચી શેકેલું જીરું પાવડર
1 ચમચી મેંદો
અડધી ચમચી આમચૂર પાવડર
સ્વાદ અનુસાર મીઠું

આ રીતે બનાવી લો ટિક્કી
બીટની ટિક્કી બનાવવા માટે તમે સૌથી પહેલા 2 બટાકા અને 2 બીટ લો. પછી તમે બંનેને સારી રીતે છોલીને કૂકરમાં 3 સીટી લઈ લો. આ પછી એક બાઉલમાં બીટ અને બટાકાને સ્મેશ કરી લો. હવે તેમાં ડુંગળી, મરચા, આમચૂર પાવડર, હળદર, કોથમીર, મીઠું અને બ્રેડનો ભૂકો મિક્સ કરો. હવે તમે આ તમામ ચીજોને સારી રીતે મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. હવે હાથ પર તેલ લગાવો અને પછી તેની મદદથી ટિક્કી બનાવી લો. આ પછી તમે એક પ્લેટમાં મેંદો લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી મિક્સ કરો અને એક બેટર તૈયાર કરી લો. હવે તમે આ ટિક્કીને મેંદાના મિશ્રણમાં ડુબાડી લો. હવે તેની પર બ્રેડના ભૂકાથી કોટિંગ કરો. હવે એક કઢાઈ લો અને તેમાં તેલ ગરમ કરવા રાખો. તેલ બરોબર ગરમ થાય એટલે તેમાં તમામ ટિક્કીને સારી રીતે ધીમા ગેસે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. હવે તમારી ટિક્કી બનીને તૈયાર છે. તમે તેને ચટણીની સાથે ખાઈ શકો છો.