બીજિંગમાં વિન્ટર ઓલિમ્પિક પહેલા ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો

January 16, 2022

- બીજિંગમાં 4 થી 20 ફેબ્રુઆરી દરમિયાન વિન્ટર ઓલિમ્પિકનું આયોજન

ચીનની રાજધાની બીજિંગમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યાની પુષ્ટિ થઈ છે. અહીંની સરકારી મીડિયા એજન્સી અનુસાર, વિન્ટર ઓલિમ્પિક શરુ થવાના ગણતરીના અઠવાડિયા પહેલા જ બીજિંગમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. બીજિંગમાં 4 થી 20 ફેબ્રુઆરી દરમિયાન વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.


કેસ સામે આવ્યા બાદ સંક્રમિત વ્યક્તિના વિસ્તારમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. સંક્રમિત વ્યક્તિ શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલા હૈદિયનમાં રહે છે અને છેલ્લા બે અઠવાડિયામાં તેને બીજિંગની બહાર કોઈ મુસાફરી કરી નથી. ગુરુવારે તેનામાં લક્ષણો જોવા મળ્યા એ પછી શુક્રવારે ટેસ્ટ કરાવ્યો હતો. શનિવારે અધિકારીઓએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ વ્યક્તિના સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી.

પશ્ચિમ બીજિંગ જિલ્લાના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિનું ઘર અને ઓફિસ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. સંક્રમિતના ઘર અને ઓફિસમાં કામ કરતા 2,430 લોકોના સેમ્પલ કોવિડ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી, ચીનના ઘણા શહેરોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે, જેમાં શાંઘાઈ, પશ્ચિમી શહેર શિયાન, દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતના શહેરો જેમ કે ઝુહાઈ અને ઝોંગશાન અને તિયાનજિન શહેર, જે હાઈ-સ્પીડ રેલ દ્વારા બીજિંગથી માત્ર 30 મિનિટ જ દૂર છે.