બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી : હું અલગ ધાતુનો ઘડેલો છું : મોદી

May 13, 2022

- ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓને કરેલા સંબોધનમાં વડાપ્રધાને કહ્યું : 'હજી ઢીલો પડવાનો નથી'
નવી દિલ્હી : ગુજરાત સરકારની યોજનાઓના લાભાર્થીઓને એક વિડિયો કોન્ફરન્સમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું હજી ઢીલો પડવાનો જ નથી. મને એક વિપક્ષી નેતાએ કહ્યુ હતું કે બે વખત વડાપ્રધાન બનવું તે કોઈને પણ માટે પૂરતું છે. પરંતુ હું બીજી જ ધાતુનો ઘડેલો છું. તેઓએ વધુમાં કહ્યું ઃ એક દિવસ એક મોટા નેતા મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું ઃ 'મોદીજી, આપ બે વખત તો દેશના વડાપ્રધાન બની ચૂક્યા છો. હવે આપ વધું શું ઇચ્છો છો ?' તેઓ માનતા હતા કે કોઈ બે વખત વડાપ્રધાન બને તો તેને બધું જ મળી જતું હોય છે પરંતુ તેમને ખબર ન હતી કે મોદી કઈ ધાતુનો ઘડેલો છે. ગુજરાતની ધરતીએ મને બનાવ્યો છે હું કોઈ કામમાં ઢીલ રાખવા માગતો નથી. હું કદીએ તેવું વિચારતો નથી કે હવે ઘણું થઈ ગયું જે કરવાનું હતું તે કરી લીધું હવે આરામ કરવો જોઈએ. પરંતુ મારું સ્વપ્ન છે સેચ્યુરેશન સોએ સો ટકા જનહિતની યોજનાઓ પહોંચાડવી.


વડાપ્રધાને આ સંબોધન દરમિયાન કોઈનું નામ લીધું ન હતું પરંતુ થોડા દિવસો પહેલા એન.સી.પી.ના નેતા શરદ પવાર તેઓને મળવા ગયાહતા તેમણે કેન્દ્રીય એજન્સીઓ સંબંધે મુદ્દો ઉઠાવ્યો હતો તે ઉપરાંત શિવસેનાનેતા સંજય રાઉત તેઓને મળવા ગયા હતા. તેમણે તેમની ઉપર તથા તેમના કુટુંબીજનો ઉપર લેવામાં આવેલા પગલા અંગે ફરિયાદ કરી હતી.

આ ઉપરથી નિરીક્ષકોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીને નિવૃત્ત થવાનું શરદ પવારે કે સંજય રાઉતે કહ્યું હોય તે પૈકી સંજય રાઉત તેટલા વરિષ્ઠ નથી કે મોદીને નિવૃત્ત થવાનું કહી શકે તેમ તો વરિષ્ઠ નેતા શરદ પવાર જ કહી શકે તે વધુ સંભવિત છે.