પાર્થ સ્કુલના શિક્ષકનો ક્લાસમાં બેફામ વાણી વિલાસ: ચાચા નહેરુને તુ..તા.થી સંબોધન…

October 13, 2021

વડોદરાઃ  વડોદરા શહેરના વુડા સર્કલ નજીકની પાર્થ સ્કુલના સમાજવિદ્યાના શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ બેફામ વાણી વિલાસ કર્યો હતો. રાજ ભટ્ટે રાષ્ટ્રપિતા મહાત્ત્મા ગાંધીજી વિશે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતું શિક્ષણ આપ્યું હતું. પાર્થ સ્કુલના શિક્ષક રાજ ભટ્ટે ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહયું હતું કે, યુપીના ગોરખપુરમાં વિરોધ કરનાર લોકોને પોલીસે મારી નાખ્યા હતાં. બાદમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં જીવતા સળગાવ્યા હતાં. ઇન્ડિયનભાઇની જગ્યા પર બ્રિટિશર્સ મરી ગયાં હતાં. ગાંધીજીને મોટો ઝટકો લાગ્યો હતો. ઇન્ડિયન જેટલા મારો તે ચાલશે પણ બ્રિટિશર્સ એક પણ મરવો જોઈએ નહીં. ગાંધીજી સ્વદેશી સ્વદેશી અને નહેરુજી વિદેશી વિદેશી કરતા હતાં. ગાંધી અને નહેરુનું પહેલીથી આ પોલિસી હતી, બંનેની મિલીભગત હતી. નહેરુ સિગાર પીતો હતો, સિગારેટ સ્પેશ્યલ ૫૫૫ નંબર…તેવું શિક્ષક રાજ ભટ્ટ હસતા હસતા બોલ્યો હતો. સિગાર પણ લંડનથી આવતી હતી.
ચાર્ટર્ડ પ્લેનમાં સિગાર બ્રિટનથી આવતી હતી. વડાપ્રધાન બન્યા બાદ એક દિવસ સવારે અચાનક ખબર પડી કે સિગારેટ ખલાસ થઈ ગઈ છે. ભારતથી ચાર્ટર્ડ પ્લેન સિગારેટ લેવા બ્રિટન મોકલ્યું હતું. આ હતા નવાબના ઠાઠ, આપણા લોકો ખાવા માટે તરસતા હતાં. નહેરુ આવો જીવતો હતો. એમણા નાના છોકરાઓની પાર્ટી થતી હતી. ઇન્દીરા નાના બચ્ચાઓની પાર્ટી ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી, સ્પેશ્યલ પ્લેનમાં હવામાં પાર્ટી થતી હતી અને બોલતા હતાં કે અમે ગરીબ પરિવારમાંથી આવતા હતાં. ખબર નહીં ક્યો ગરીબ પરિવાર? લાગે છે કે કોંગ્રેસમાં કોઇ ગરીબ પરિવાર છે ? બિલકુલ નહીં. સબ ચોર. બીજી તરફ, શિક્ષકે પાઠ ભણવતા વિદ્યાર્થીઓને કહયું હતું કે, ભારતમાં યુનિટી હતી અને આજે પણ છે. પરંતુ આજે પણ કેટલીક રાજકીય પાર્ટીઓને આ યુનિટી સારી લાગતી નથી. કારણકે એ લોકો જાણે છે કે, ભાગલા પાડયા તો વોટ બેંક ચાલશે અને નહીં પડે તો પાર્ટી ખલાસ થઈ જશે. સાઉથ ઇન્ડિયાની પાર્ટી છે તે બધાને ખબર છે. સાંભળ્યુ છે ? પછી કહીશ.
મારી પુત્રી પાર્થ સ્કુલમાં અભ્યાસ કરે છે. ગત તા.૭મીએ સમાજવિદ્યાના શિક્ષક રાજ ભટ્ટે ધો.7, 8 અને 9ના વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં ગાંધીજી અને નહેરુજી વિશે ગેરમાર્ગે દોર્યાં હતાં. રાષ્ટ્રપિતા અને દેશના પ્રથમ વડાપ્રધાનનું શિક્ષકે અપમાન કર્યું હતું. અગાઉના ક્લાસમાં પણ મોતીલાલ નહેરુએ બ્રિટિશરોના નાણાં ખાઇ ગયા હોવાનો આક્ષેપ શિક્ષકે કર્યો હતો. શિક્ષકના આ પ્રકારના ગેરવ્યાજબી વર્તન સામે કડક કાર્યવાહી થવી જોઈએ. – રોનક પરીખ, વાલી.