કેનેડાની સંસદમાં ભગવત ગીતા મહોત્સવનો આરંભ, લાઈબ્રેરીમાં ગીતા સમાવાઈ

September 18, 2022

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના સંદેશના વાંચન સાથે કેનેડાના પાટનગર ઓટ્ટાવામાં પાર્લામેન્ટ હાઉસ ખાતે ત્રણ દિવસીય ઇન્ટરનેશનલ ભગવત ગીતા મહોત્સવનો આરંભ થયો હતો. આ પ્રસંગે કેનેડિયન પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં ભગવત ગીતાનો પવિત્ર ગ્રંથ મૂકવામાં આવ્યો હતો.

આ અગાઉ ભારતીય મૂળના કેનેડિયન એમપી ચંદ્ર આર્ય અને ગીતા મનીશી સ્વામી શ્રી ગ્યાનાનંદના હસ્તે પાર્લામેન્ટ લાઇબ્રેરીના વડા સોન્યાને ભગવત ગીતા અર્પણ કરવામાં આવી હતી. પછીથી આ પ્રસંગે બોલતાં સ્વામી ગ્યાનાનંદે જણાવ્યું હતું કે હાલના સમયમાં ભગવત ગીતાની પ્રાસંગિકતા વધુ પ્રાસંગિક થઈ ગઈ છે. દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના શિક્ષણને આત્મસાત કરવું જોઈએ.

સ્વામી ગ્યાનાનંદે વધુમાં જણાવ્યું હતું કે આપણે ભગવત ગીતાના સંદેશને વિશ્વના ખૂણેખૂણે પ્રસરાવવાનો છે. તેના માટે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન દરેકને પાર્લામેન્ટ હિલ ખાતે આવકારતા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સંદેશને પણ વાંચવામાં આવ્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આવી મહોત્સવો ફક્ત કેનેડાના નાગરિકોને એકબીજાના નજીક તો લાવશે જ સાથોસાથ તેમને પોતાના વૈવિધ્યની ઉજવણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભગવત ગીતામાં શાંતિ, સદ્ભાવ અને ભાઈચારાનો જે સંદેશ શિખવાડવામાં આવ્યો છે તે વૈશ્વિક છે અને આ ખાસ દિવસ પર હાજર રહેવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.