અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું પરંતુ નિર્માણ થોડા દિવસો સુધી શરૂ થવાની શકયતા નથી

August 05, 2020

અયોધ્યા :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનુ ભૂમિપૂજન કર્યું પરંતુ તમે એમ વિચારી રહ્યાં હોવ કે મંદિર નિર્માણનું કામ કાલથી જ શરૂ થઈ જશે તો એવું નથી. હજી તેનો નકશો પાસ થયો નથી. તો ચાલો જાણીએ મંદિર નિર્માણને લઈને આગળ શું થવાનું છે તે વિશે ?

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા મુજબ હવે મંદિરનો નકશો અયોધ્યા વિકાસ ઓથોરિટીની પાસે જશે. તેમાં દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. પછીથી નિર્માણનું કામ શરૂ થશે. મંદિરનું આર્કિટેક્ટ કામ જોઈ રહેલા નિખિલ સોમપુરાના જણાવ્યા મુજબ, કન્સ્ટ્રક્શન કંપની L&Tએ માટીનું ટેસ્ટિંગ કર્યું છે. તેનું રિઝલ્ટ આવ્યા પછી નક્કી કરવામાં આવશે કે પાયો કેટલો ઉંડો કરવામાં આવશે અને ક્યારથી કામ શરૂ થશે.

નિખિલ સોમપુરાના જણાવ્યા મુજબ હાલ એ નક્કી નથી કે કેટલા મજૂરો કામે લાગશે. તેમણે કહ્યું કે હવે તો મોટા-મોટા મશીનો આવી ગયા છે. વધુ મશીનોને કારણે મજૂરોની જરૂરી ઓછી પડશે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે 100 મજૂરોની સાથે મંદિર નિર્માણનું કામ શરૂ થશે.

કન્સ્ટ્રક્શન માટે જે કોતરવામાં આવેલા પથ્થરો છે તેનો ઉપયોગ કરવામાં આવશે. બાકી સિમેન્ટ વગેરે સામાન ક્યાંથી લાવવો તે L&Tએ નક્કી કરવાનું છે. હવે L&T મેનપાવરનું કામ પણ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને આપશે. પછીથી કામ શરૂ થશે.

L&Tએ આ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી. જ્યાં સુધી L&T આ અંગે કઈ કહેશે નહિ ત્યાં સુધી કઈ પણ કહેવું મુશ્કેલ છે. માનવામાં આવી રહ્યું છે કે કામની વહેંચણી થઈ ચૂકી છે. ટ્રસ્ટ તરફથી લીલી ઝંડી મળ્યા પછી કામ શરૂ થશે.

કાર્યશાળા ઈનચાર્જ અન્નૂ સોમપુરાના જણાવ્યા મુજબ, જે પથ્થર કાર્યશાળામાં રાખવામાં આવ્યા છે, તેનાથી મંદિરના પ્રથમ ફલોરનું 65 ટકા સ્ટ્રકચર ઉભું થશે. મોટાભાગના પિલરના પથ્થરો કોતરવામાં આવ્યા છે.