સ્ટડીમાં થયો મોટો દાવો, કોરોનામાં મોતનો ખતરો 50 ટકા ઓછો કરી દે છે આ એક વિટામિન

September 27, 2020

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘણું જ ઝડપથી વધતુ જઇ રહ્યું છે. આ મહામારીથી અત્યાર સુધી 9.93 લાખથી વધારે લોકોના મોત થયા છે. કોરોનાના વધતા સંક્રમણ પર ઘણા પ્રયત્નો છતા સંપૂર્ણ નિયંત્રણ નથી આવી રહ્યું અને આવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો 20 લાખ સુધી જઈ શકે છે. આ દરમિયાન અમેરિકાની બૉસ્ટન યૂનિવર્સિટીમાં થયેલી એક શોધમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના જે દર્દીઓમાં પુરતા પ્રમાણમાં વિટામિન ડી છે, તેમને મોતનો ખતરો 52 ટકા ઓછો થઈ જાય છે.


વેન્ટિલિટર પર રાખવાની જરૂરિયાત 46 ટકા સુધી ઓછી થઈ જાય છે

બૉસ્ટન યૂનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે આવા દર્દીઓ કોરોનાથી જલ્દી ઠીક થઈ જાય છે. વિટામિન ડી આપણા શરીરની ઇમ્યૂન સિસ્ટમમાં મહત્વની ભૂમિકા નીભાવે છે. વૈજ્ઞાનિકોએ શોધમાં જણાવ્યું છે કે શરીરમાં વિટામિન-ડીની પર્યાપ્ત માત્રા હોવાના કારણે દર્દીઓને વેન્ટિલિટર પર રાખવાની જરૂરિયાત પણ 46 ટકા સુધી ઓછી થઈ જાય છે. મહામારીની શરૂઆતથી જ એ વાત કહેવામાં આવી રહી છે કે કોરોનાથી બચવા માટે આપણી ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. ઇમ્યૂનિટી મજબૂત બનાવવામાં વિટામિન ડીની મહત્વની ભૂમિકા છે. આવામાં કોરોના સામે લડવામાં વિટામિન ડી ઘણું જ મહત્વનું છે.


અમેરિકામાં સરેરાશ 42 ટકા લોકોમાં વિટામિન-ડીની ઉણપ જોવા મળી

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સરેરાશ 42 ટકા લોકોમાં વિટામિન-ડીની ઉણપ જોવા મળી. વૈજ્ઞાનિકોએ શોધમાં જોયું કે ઘરડા લોકોમાં પણ વિટામિન ડીની ઘણી ઉણપ હોય છે. આ જ કારણ છે કે કોરોનાની ઝપેટમાં ઘરડા લોકો જલદી આવી જાય છે અને તેમના મોતની સંભાવના યુવાઓ કરતા વધારે હોય છે. આપને જણાવી દઇએ કે સૂરજની રોશની વિટામિન-ડીનો સૌથી સારો સ્ત્રોત છે. આ કારણે ડૉક્ટરો ઠંડીના સમયે સવારના તડકામાં રહેવાની સલાહ આપે છે.

અન્ય ઋતુમાં પણ સવારના તડકામાં ફરી શકાય છે. કોરોનાકાળમાં વિટામિન-ડીની ગોળીઓ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. જોકે ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવાનું સેવન ના કરવું જોઇએ.