બિટકોઈન ઉછળી ફરી 50000 ડોલર વટાવી ગયા : હવે 75000 ડોલર પર નજર

March 03, 2021

મુંબઈ : ક્રિપ્ટોકરન્સીની બજારમાં વૈશ્વિક ભાવમાં આજે તેજીનો કરન્ટ જળવાઈ રહ્યો હતો. બિટકોઈનના ભાવ જે તાજેતરમાં રેકોર્ડ ભાવથી પ્રત્યાઘાતી ઘટાડામાં 50 હજાર ડોલરની અંદર જતા રહ્યા હતા તે ભાવઆજે ફરી વધી 50 હજાર ડોલરની ઉપર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

મંગળવારે મોડી સાંજે પૂરા થયેલા 24 કલાકના ગાળામાં બિટકોઈનના ભાવ નીચામાં 47704થી 47705 ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ 50213થી 50214 ડોલર થઈ મોડી સાંજે ભાવ 49040થી 49050 ડોલરરહ્યા હતા. 

આજે 59થી 60 અબજ ડોલરના વેપાર વોલ્યુમ વચ્ચે બિટકોઈનનું કુલ માર્કેટ કેપીટલાઈઝેશન વધી ફરી 900 અબજ ડોલરને પાર કરી સાંજે 914થી 915 અબજ ડોલર નોંધાયાનું ક્રિપ્ટોકરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વૈશ્વિક જૂથ સીટી બેન્કના જણાવ્યા મુજબ ભવિષ્યમાં વૈશ્વિક ફાઈનાન્શીયલ સિસ્ટમમાં ડિજીટલ એસેટો મહત્ત્વની ભૂમિકા ભજવશે તથા વૈશ્વિક વેપાર- વ્યવહારમાં કરન્સી ઓફ ચોઈસ તરીકે ક્રિપ્ટો કરન્સી સ્થાન મેળવી શકશે. આ તરફ ગોલ્ડમેન સેકે ક્રિપ્ટોકરન્સી માટે ટ્રેડિંગ ડેસ્ક ઉભી કરવાના સંકેતો આપતાં ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે લેવાલી વધ્યાની ચર્ચા હતી. 

દરમિયાન, ગુગલ ફાઈનાન્સે ક્રિપ્ટો કરન્સી માટે ડાટા ટેબનો ઉમેરો પોતાની સિસ્ટમમાં કર્યાના પણ સમાચાર હતા. માઈક્રોસ્ટ્રેટેજીએ બિટકોઈનમાં ખરીદી જાળવી રાખતાં વધુ દોઢ કરોડ ડોલરના બિટકોઈન ખરીદયાના નિર્દેશો પણ વિશ્વબજારમાંથી મળ્યા હતા.

બિટકોઈનના ભાવ વિતેલા સપ્તાહમાં વેચવાલીના ગભરાટમાં 21 ટકા ગબડયા પછી આ સપ્તાહના આરંભથી ભાવ ફરી ઉંચા જતા જોવા મળ્યા છે. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે મોડી સાંજે 100 કલાક તથા 200 કલાકની મુવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યા હતા તે બુલીશ સંકેત હોવાનો દાવો બજારનો અમુક વર્ગ કરી રહ્યો હતો. 

શિકાગો બોર્ડ ઓફ ઓપશન્સ એક્સચેન્જે બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ વાનઈકને શેરોના લિસ્ટીંગ માટેના ફાઈલીંગની જાહેરાત કરતાં આજે તેજી માટેનું નવું કારણ બજારને મળ્યું હતું. વિવિધ ઈન્વેસ્ટમેન્ટ બેન્કો દ્વારા ક્રિપ્ટો કરન્સીઓનું ઓફરીંગ વિશ્વબજારમાં વધ્યું છે. આજે બિટકોઈન ઉપરાંત ઈથેર, સ્ટેલર, એક્સઆરપી વિ. ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ ઉંચકાયા હતા.

દરમિયાન, બિટકોઈનના ઓપ્શન ટ્રેડરો 75 હજાર ડોલરથી 1 લાખ ડોલર સુધીના  ભાવ થવાની ગણતરી બતાવતા થયા છે. જોકે ચીનથી મળતા સમાચાર મુજબ મોન્ગોલીયામાં ક્રિપ્ટો કરન્સીના માઈનિંગ પર પ્રતિબંધ મૂકવાનો સંકેત મળ્યો છે તથા આવા બધા પ્રોજેક્ટો એપ્રિલ સુધીમાં બંધકરી દેવાનો નિર્ણય ત્યાં કરવામાં આવ્યો છે.

ઈનર મોંગોલીયાના ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ્સ કમિશનના સૂત્રોએ આવો નિર્દેશ વેબસાઈટ પર આપ્યો હતો. દરમિયાન, 2020માં ક્રિપ્ટો ક્રાઈમમાં આશરે 10થી 11 અબજ ડોલરની રકમો  ઉપડી ગયાની પણ ચર્ચા  હતી. આ તરફ કેનેડાના કોઈનસ્માર્ટ ક્રિપ્ટો એક્સચેન્જે યુરોપમાં વિસ્તરણ માટે આશરે 35 લાખ ડોલર મેળવ્યાના પણ સમાચાર મળ્યા હતા.