બિટકોઇનની કિંમત રૂપિયા ૪૦ લાખને પાર, ૨૪ કલાકમાં ૫,૦૦૦ ડોલરની છલાંગ

February 21, 2021

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તેજી જારી છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનની કિંમત પાંચ હજાર ડોલરની છલાંગ લગાવીને ૫૬ હજાર ડોલર એટલે કે રૂપિયા ૪૦ લાખને વટાવી ગઈ હતી. શનિવારે બિટકોઇન ઊછળીને ૫૬,૬૨૦ ડોલરને સ્પર્શી ગયો હતો પરંતુ ત્યારબાદ તેમાં થોડી નરમાઈ આવતાં ૫૫,૮૬૩.૨૦ ડોલર એટલે કે રૂપિયા ૪૦,૧૧,૧૦૨.૯૬ની સપાટી પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એલન મસ્કની કંપની ટેસ્લાએ બિટકોઇનમાં રોકાણ કર્યું છે ત્યારથી તેમાં તેજી અટકવાનું નામ લઈ રહી નથી. ગુરુવારે બિટકોઇનની કિંમત ૫૧,૭૩૭ ડોલર એટલે કે રૂપિયા ૩૮ લાખ હતો. તે પહેલાં બુધવારે બિટકોઇન બાવન હજાર ડોલરની સપાટી વટાવી ગયો હતો. હજુ શુક્રવારે જ બિટકોઇનનું કુલ માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. બિટકોઇનમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇનનું મૂલ્ય ૯૨ ટકા કરતાં વધુ થયું છે. બિટકોઇનથી સસ્તી હોવાના કારણે એલ્ટકોઇન્સ અથવા તો વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સીમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારો હવે ટોચની પાંચ વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સી એવી ઇથરિયમ, રિપ્પલ, બિનાન્સ કોઇન, સ્ટેલર અને ટ્રોનમાં પણ રોકાણ કરવા લાગ્યાં છે. આ વૈકલ્પિક ક્રિપ્ટોકરન્સીમાં ચારથી પાંચ ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે.