નવસારીમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધર્યા 1100 સામુહિક રાજીનામા,

July 31, 2022

નવસારી: નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં ગત દિવસોમાં ગેરકાયદેસર રીતે બનાવેલ રાધાકૃષ્ણ મંદિરના દબાણને દૂર કરતી વખતે પોલીસે મહિલાઓને પણ માર મારવાની ઘટનાને પગલે સ્થાનિકો સહિત શહેરમાં આક્રોશ છે. ત્યારે આજે સર્વોદય સોસાયટીમાં રહેતા ભાજપ આગેવાનો સહિત કાર્યકર્તાઓ મળી 1100 લોકોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સામુહિક રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખને ધરી દીધા હતા. જેને લઈને ભાજપમાં સોપો પડી ગયો છે.


નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીની પાછળની જમીનના માલિક અને સોસાયટી વચ્ચે રસ્તાને લઈને વિવાદ હતો. જેમાં સોસાયટીએ ગેરકાયદેસર રીતે મંદિર બનાવી રાધાકૃષ્ણની મૂર્તિઓ મુકીને પુજા પણ શરૂ કરી દીધી હતી. જેમાં નુડામાં ફરિયાદ થયા બાદ કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યા બાદ, ગેરકાયદે બનેલા મંદિરનું દબાણ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને રાખી ગત 25 જુલાઈની સાંજે નુડાના અધિકારીઓએ પાલિકાના સ્ટાફ અને પોલીસ કાફલા સાથે સોસાયટી પર પહોંચી મંદિરનું દબાણ દૂર કરવા જતા સોસાયટીના લોકો સાથે ઘર્ષણ થયુ હતુ.


જેમાં બે કલાક સુધી સોસાયટીની મહિલાઓ અને યુવાનો ન સમજતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે મંદિરમાં ઉભા રહી વિરોધ કરતી મહિલાઓને જબરદસ્તી ધક્કા મારી મંદિરની બહાર કાઢવામાં આવી હતી અને મંદિરનું દબાણ હટાવી દેવામાં આવ્યુ હતુ. પરંતુ ભાજપના સ્થાનિક અને રાજ્યના નેતાઓએ મદદ ન કરી હોવાના આક્ષેપો સાથે આજે સર્વોદય સોસાયટીના રહીશોએ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચી ભાજપના કારોબારી સભ્ય જનક પટેલ, પેજ સમિતિના પમુખ સહિત પ્રાથમિક સદસ્યતાથી 1100 કાર્યકર્તાઓએ સામુહિક રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ઉગ્ર આક્રોશ સાથે ધર્યા હતા.


જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને રાજીનામા આપતા ભાજપ પ્રમુખે રાજીનામા લેવાની ના પાડી દીધી હતી, સાથે જ કાર્યકર્તાઓને રાજીનામા ન આપવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જમીન માલિક અને સોસાયટીના વિવાદના પાર્ટીને કોઈ લેવાદેવા નથીની વાત કરતા જ સોસાયટીના રહીશોએ આક્રોશ સાથે રાજીનામા આપી દીધા હતા.