ભાજપને વધુ એક ઝટકો, યોગી સરકારના કેબિનેટ મંત્રી દારાસિંહ ચૌહાણનું રાજીનામુ

January 12, 2022

નવી દિલ્હી- ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં ખૂબ જ ઝડપથી પલટો આવી રહ્યો છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામુ આપ્યું તેના 24 કલાકની અંદર જ યોગી સરકારના વધુ એક મંત્રીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. 


સરકારમાં વન, પર્યાવરણ અને જન્તુ ઉદ્યાન મંત્રી રહેલા દારાસિંહ ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના કહેવા પ્રમાણે યોગી સરકારમાં પછાતો, વંચિતો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર નવયુવાનો સાથે ઉપેક્ષાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. તેમણે યોગી સરકાર પર દલિતો અને પછાતોની અનામત સાથે રમત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે પોતાનું રાજીનામુ રાજભવન ખાતે મોકલી દીધું છે. 
અગાઉ બુધવારે જ મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અવતારસિંહ ભડાણાએ પાર્ટી છોડીને આરએલડીનો હાથ પકડ્યો હતો. અવતાર 4 વખત સાંસદ રહી ચુક્યા છે. બુધવારે સવારે તેઓ આરએલડી ચીફ જયંત ચૌધરીને મળ્યા હતા અને જયંતે તે મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.