વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત, 49 બેઠકો પર જીત સાથે BJP સૌથી આગળ, કોંગ્રેસનો સફાયો

February 23, 2021

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 49 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે વોર્ડ નં-2, 3 4, 7, 8, 9, 10, 11, 14, 15 અને 17માં ભાજપની પેનલની જીત થઈ છે અને ​​​​​​વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે.

 

વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ​​​​​વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી ત્રણ રાઉન્ડમાં થશે, ત્યારે પોલિટેકનિક કોલેજ પરિણામ જાણવા માટે બહાર લોકોના ટોળા ઉમટ્યા છે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર ઉમટ્યા છે.