વિસનગરનાં 24 ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપને પ્રવેશબંધી, કાલે અર્બુદાધામ બાસણામાં 50 હજારથી વધુ જનમેદની ઊમટશે

September 21, 2022

વિસનગર  : વિસનગર તાલુકાના ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરતાં અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને લઇ વિસનગર તાલુકાના 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે. તેમજ વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ચૌધરી સમાજ ઉપસ્થિત રહી સમાજ શકિતના દર્શન કરાવશે.જેમાં અર્બુદા સેના વિસનગર તાલુકા પ્રમુખના જણાવ્યા અનુસાર વિસનગર તાલુકાના 24 ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવામાં આવ્યો છે. જેમાં જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવું દરેક ગામના અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.