ભાજપ તમામ મહાનગરપાલિકાઓમાં ભવ્ય વિજય નોંધાવશેઃ મુખ્યમંત્રી રૂપાણી

February 23, 2021

ગુજરાતમાં છ મહાનગરપાલિકા માટે રવિવારે મતદાન યોજાયું હતું. જોકે, મતદાન ઘણું ઓછું થયું હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને મૂંઝવણમાં છે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે દિશાહીન અને નેતૃત્વવિહીન કોંગ્રેસ આ વખત મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ક્યાંય હરીફાઈમાં હતી જ નહીં. છ મહાનગરપાલિકાઓની મતગણતરી મંગળવારે યોજાશે. તેમણે જણાવ્યું હતું કે રવિવારે રાજ્યમાં મહાનગરપાલિકાઓમાંની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ ન હતા. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્ય અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપ પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે મંગળવારે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પરિણામોમાં ભાજપ તમામ મહાનગરોમાં અભૂતપૂર્વ ભવ્ય વિજય મેળવશે અને જનસેવાનો અવસર પુનઃ પ્રાપ્ત કરશે. અમારી વિકાસની રાજનીતિ અને સૌના સાથ અને સૌના વિકાસના મંત્રને જનતાએ વધાવ્યો છે. આ વાત મંગળવારે જાહેર થનારા પરિણામોથી સ્પષ્ટ થઈ જશે. નોંધનીય છે કે અમદાવાદમાં 42.5 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ અને જામનગરમાં 53.4 ટકા, ભાવનગર 49.5 ટકા, વડોદરા 47.8 ટકા, સુરતમાં 47.1 ટકા મતદાન થયું હતું. જેના કારણે રાજકિય પક્ષોમાં પણ ચિંતા જોવા મળી હતી.