લોકસભા 2024 માટે ભાજપની ફોર્મ્યુલા:લોકસભાની ટિકિટ 1955 પછી જન્મેલાને જ, 81 સાંસદો કપાશે

May 26, 2022

નવી દિલ્હી : સતત બે સામાન્ય ચૂંટણી અને હાલમાં જ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ પછી ભાજપે 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. સાંસદોના દેખાવ, ગ્રાઉન્ડ ફીડબેક અને વિવિધ બેઠકનાં જાતિ સહિતનાં સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉંમર પ્રમાણે પણ ટિકિટોની વહેંચણીના નિયમ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના મતે, આ મુદ્દે પક્ષમાં ઉચ્ચ સ્તર સુધી સંમતિ સધાઈ છે. તેમાં નક્કી કરાયું છે કે હાલના જે સાંસદનો જન્મ 1956 પહેલાં થયો છે, તેમને 2024માં લોકસભા ટિકિટ નહીં અપાય. જો આ નિયમ લાગુ થશે તો ભાજપના હાલના 301 સાંસદમાંથી 81ને ટિકિટ નહીં મળે. ફક્ત બે અપવાદરૂપ નેતાને આ નિયમમાંથી છૂટ મળી શકે છે.

ગઈ લોકસભા ચૂંટણીથી જ ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ નહીં કરવાના નિયમનું પાલન કરી રહ્યો છે. પક્ષનું માનવું છે કે નવા લોકોને ત્યારે જ તક મળશે જ્યારે જૂના કાર્યકરો નવા લોકોને રસ્તો કરી આપશે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ ટિકિટ કાપવાની નહીં, પરંતુ બેટન પોતાનાથી નાની ઉંમરના કાર્યકરને સોંપવા જેવી છે.

2024 સુધી ભાજપના 25% સાંસદ 70 વર્ષથી વધુ ઉંમરના હશેઃ 17મી લોકસભામાં ભાજપના આશરે 25% સાંસદ 2024ની ચૂંટણી સુધી 70 વર્ષથી વધુ ઉંમરના થઈ જશે. 1956 પહેલાં જન્મેલા હાલના સાંસદોમાં સૌથી વધુ ઉ.પ્રદેશથી 12, ગુજરાતથી 9, કર્ણાટકથી 9, મધ્યપ્રદેશ-બિહારથી છ-છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પાંચ-પાંચ તેમજ ઝારખંડથી 2 છે.

હેમામાલિની (મથુરા), સદાનંદ ગૌડા (બેંગલુરુ), રાવ સાહેબ દાનવે (જાલના), વી.કે. સિંહ (ગાઝિયાબાદ), અશ્વિની ચૌબે (બક્સર), S.S.આહલુવાલિયા (વર્ધમાન), રીટા બહુગુણા જોશી (અલ્લાહાબાદ), કિરણ ખેર (ચંડીગઢ), અર્જુનરામ મેઘવાલ (બિકાનેર), શ્રીપદ નાયક (ગોવા), રવિશંકર પ્રસાદ (પટણા સાહિબ), રાવ ઈન્દ્રજિત સિંહ (ગુડગાંવ), ગિરિરાજસિંહ (બેગુસરાય), રાધામોહન સિંહ (પૂર્વ ચંપારણ), R.K. સિંહ (આરા) અને સત્યપાલ મલિક (બાગપત).