કાબૂલમાં બ્લાસ્ટ : અફઘાનમાં ભીષણ અરાજકતાના સંકેતો

August 28, 2021

આજથી 6 મહિના પહેલાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પરત બોલાવવાનો નિર્ણય કરતા જ દુનિયાના અનેક દેશોએ અચંબો અનુભવ્યો. આ પછી છેલ્લાં 3 મહિનામાં અમેરિકન સૈનિકોએ આફનિસ્તાન છોડી દીધું. અમેરિકાના આ અભિગમને કારણે તાલિબાને કાબુલ પર કબજો જમાવી દીધો છે. આજે અફઘાનિસ્તાનનો મોટાભાગનો વિસ્તાર તાલીબાનીઓના કબજામાં છે. આફઘાનમાં તાલીબાનીઓની સત્તા કબજે કરવાની આક્રમકતા વચ્ચે મંગળવારે દોહામાં અમેરિકન સુરક્ષા એજન્સી તથા તાલિબાનીઓ વચ્ચે બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં બંને પક્ષે શું શું સમજૂતી કરવામાં આવી તે અંગે હજી પણ બંને પક્ષે નક્કર ફોડ પડાયો નથી. એટલે દુનિયામાં અટકળોનો દૌર શરુ થઈ ગયો છે. પરંતુ તાલિબાને કોઈ પણ જાતનું યુદ્ધ લડ્યા વિના અફઘાનિસ્તાનનું શાસન હસ્તગત કરવા તરફ પગલા માંડી દીધા છે. આ ઘટનાક્રમ 2021નો દુનિયાનો સૌથી મોટો આશ્ચર્યજનક ઘટનાક્રમ છે.
આ દરમિયાન ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર સિરિયલ બ્લાસ્ટ થતાં અમેરિકી નાગરિક સહિત 4 અમેરિકી મરીન કમાન્ડો સહિત 40 લોકોના મોત થયા અને 120થી વધુ લોકો ઘાયલ થયા. ખુરાશન આઈએસઆઈએસ દ્વારા થયેલા આ આત્મઘાતી હુમલાથી વિવિધ દેશોના રેસ્કયૂ ઓપરેશનને ગંભીર અસર પહોંચવાની સંભાવના છે. કાબુલ એરપોર્ટ પર જ્યારે પહેલો બ્લાસ્ટ થયો ત્યારે જ ફ્રાન્સે બીજા બ્લાસ્ટની ચેતવણી આપી હતી. જેની થોડી વારમાં જ બીજો બ્લાસ્ટ થયો હતો. પ્રથમ વિસ્ફોટ એરપોર્ટના અબે ગેટ પર અને પછી બીજો વિસ્ફોટ એરપોર્ટ નજીક બરૂન હોટલ પાસે થયો હતો. જ્યાં બ્રિટિશ સૈનિકો રોકાયા હતા. 
કાબુલમાં સિરિયલ બ્લાસ્ટમાં ચાર યુએસ મરીન કમાન્ડો પણ મૃત્યુ પામ્યા અને ત્રણ ઘાયલ થયા. આ બ્લાસ્ટ પહેલા એરપોર્ટ પરથી ઇટાલિયન લશ્કરી વિમાન ઉડ્યા બાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું  હતુ. મોડી સાંજ સુધીમાં કાબૂલની ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, પહેલા કાબુલ એરપોર્ટ ઉપર આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. જેમાં કાબુલના એરપોર્ટ પરથી દેશ છોડીને ભાગી રહેલા લોકોની ભીડનો ફાયદો ઉઠાવીને આતંકવાદી ગમે ત્યારે મોટો હુમલો કરવાની કોશિશ કરી શકે તેવા ઈનપૂટ અમેરિકા, બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાની એજન્સીને પહેલાથી જ મળ્યા હતા. કાબૂલમાં બનેલી ઘટનાના બે દિવસ પહેલાં જ તાલિબાને દોહા ખાતે યોજેલી બેઠકમાં અમેરિકા સાથે સમજૂતી કરી હતી. તેથી બધુ સમુસુતરુ પાર પડી જશે તેવી ગણતરી હતી. કારણ કે, કરારની વાતને સમર્થન આપતી કેટલીક જાહેરાત તાલિબાને કરી છે. જેમાં તાલીબાની રાજમાં મહિલાઓને શરિયા કાનૂન મુજબ આઝાદી આપવા અને તેમને સ્કૂલે જતાં નહીં રોકવામાં આવે તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં રહેલા કોઈ વિદેશી નાગરિકની કનડગત કરાશે નહીં તેવા વચન અપાય હતા. 
સમજૂતી મુજબ કાબુલના એરપોર્ટનો કબજો અમેરિકી લશ્કરે પોતાના હાથમાં રાખ્યો હતો અને તેણે વિદેશી નાગરિકોને બહાર જવામાં મદદ પણ કરવા માંડી હતી. તાલિબાનને સત્તા સોંપવાનું નાટક કરીને અમેરિકાએ કોઈ રીતે રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં રાખ્યું છે. અમેરિકાએ પોતાનાં ૨૦ વર્ષના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં ૮૪ અબજ ડોલરનો ખર્ચ કરીને અફઘાન નાગરિકોને તાલીમ તેમજ શસ્ત્રો આપીને ત્રણ લાખ સૈનિકોનું એક કહેવાતું અદ્યતન લશ્કર તૈયાર કર્યું હતું. જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનનાં એક પછી એક શહેરો પર પોતાનો કબજો જમાવ્યો ત્યારે આ લશ્કર ક્યાં ગયું ? તેણે કેમ તાલિબાનનો સામનો કર્યો નહીં ? તે સવાલ સૌથી મહત્વનો છે. કારણ કે, આ સવાલના જવાબમાં જ અફઘાનિસ્તાનમાં અમેરિકાના પરાજયનું રહસ્ય સમાયેલું છે. હકીકતમાં અમેરિકાએ લશ્કર માટે ભરતી ચાલુ કરી ત્યારે હજારો તાલિબાન સમર્થકો જાણી જોઈને લશ્કરમાં સામેલ થઈ ગયા હતા. જ્યારે તાલિબાન સામે લડવાનો સમય આવ્યો ત્યારે તેમણે તાલિબાન સમક્ષ સમર્પણ કરી દીધું હતું. અફઘાનિસ્તાનની જેમ વિયેટનામમાં પણ અમેરિકા વર્ષો સુધી લાંબી લડાઈ લડ્યું હતું. આ લડાઈનો અંત ૧૯૭૩માં શાંતિકરાર સાથે આવ્યો હતો. તે કરાર મુજબ વિયેટનામની પૂતળાં સરકારને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ કરી દેવામાં આવી હતી. 
અફઘાનિસ્તાનનો રાજકીય ઇતિહાસ તપાસાય તો ૧૯૯૦ના દાયકામાં સોવિયેટ સંઘે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, તેની સામે લડવા માટે જ અમેરિકા દ્વારા તાલિબાનને જન્મ આપવામાં આવ્યો હતો.  આધુનિક શસ્ત્રો અને તાલીમ આપીને સોવિયેટ સંઘ સામે લડાવવાનું કામ અમેરિકાએ જ કર્યું હતું. સોવિયેટ સંઘે અફઘાનિસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચ્યું તે પછી અમેરિકાએ કાબુલમાં પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરી હતી. તાલિબાને તે સરકારને ઉથલાવી પાડીને પોતાના રાજની સ્થાપના કરી હતી. તાલિબાને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠન સાથે દોસ્તી કરી હતી. તેણે ઓસામા બિન લાદેનને પોતાના દેશમાં આશરો આપ્યો હતો. જો કે, ૯/૧૧ના આતંકવાદી હુમલા પછી અલ કાયદાને ખતમ કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. આ સમયે ઓસામા બિન લાદેન ભાગીને પાકિસ્તાનના પહાડોમાં ભરાઈ ગયો હતો, જ્યાં તેને ખતમ કરવામાં આવ્યો હતો. હવે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. અમેરિકાએ ફરી અફઘાનિસ્તાન તાલિબાનના હવાલે કર્યું છે. અમેરિકાએ દોહામાં તાલિબાન સાથે જે કરાર કર્યા છે, તેની ભાષા વાંચતા પણ ખ્યાલ આવે છે કે અમેરિકા દ્વારા તાલિબાનની તાકાતનો સ્વીકાર કરાયો છે. તાલિબાનના નેતાઓ પોતાની જાતને કોઈ આતંકવાદી સંગઠન તરીકે નથી ઓળખતા, પણ અફઘાનિસ્તાનની સરકાર તરીકે ઓળખે છે. તેમણે અકઘાનિસ્તાનનું નામ બદલીને ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાન કરી નાખ્યું છે. 
અમેરિકા સાથેના કરારમાં પક્ષકાર તરીકે આ નામનો જ ઉલ્લેખ વારંવાર કરાયો છે. તાલિબાન વતી અફઘાનિસ્તાનના જે પ્રમુખ બનવાના છે તે મુલ્લા અબ્દુલ ગની બરદાર આઠ વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં રહ્યો હતો. તેને ૨૦૧૮માં છોડવામાં આવ્યો તે પણ અમેરિકાની ગુપ્ત યોજનાનો ભાગ હતો. મુલ્લા બરદાર સાથે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના અને અમેરિકાનાં હિતોની જાળવણી બાબતમાં કોઈ ગુપ્ત કરાર કરાયા હતા. જો કે, હાલ સમગ્ર રમતમાં ભારતનું હિત કે અહિત દૂર દૂર સુધી દેખાતુ નથી. જો કે, અફઘાનિસ્તાનની રાજધીની કાબૂલમાં ગુરુવારે થયેલા ધડાકા પછી ત્યાં તાલીબાનોના સત્તાના હસ્તાંતરણ પહેલા હજી આવી અનેક ઘટના ઘટવાની દહેશત છે. તાલીબાનો અને અમેરિકા વચ્ચે કશુક રંધાઈ ગયાની વાત ISISને કદાચ ગમી નહીં હોય, તેવા સંજોગોમાં આવાનારા દિવસોમાં આફઘાનમાં વધુ ભીષણ અરાજકતા ફેલાવાની દહેશત વર્તાય રહી છે.