ચીની પ્રેમમાં અંધ નેપાળના PM ઓલીએ ભારતને લઇ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

January 11, 2021

કાઠમંડુઃ ‘ચીની પ્રેમ’ અને ભારતની સાથે કારણ વગરનો વિવાદ કરીને એકલું અટલું પડી ગયેલ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી પોતાની હરકતોથી બાજ આવી રહ્યા નથી. ઓલી એ નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતાં કહ્યું કે સુગૌલી સંધિના મતે કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ નેપાળનો હિસ્સો છે અને અમે તેને કોઇપણ સંજોગોમાં પાછું લઇને જ ઝંપીશું. ઓલીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નેપાળના વિદેશ મંત્રી 14મી જાન્યુઆરીના રોજ ભારતના પ્રવાસે આવવાના છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ રવિવારના રોજ દાવો કર્યો કે સુગૌલી સમજૂતી પ્રમાણે મહાકાલી નદીના પૂર્વ પર આવેલ કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ ક્ષેત્ર નેપાળનો છે. તેમણે કહ્યું કે ભારત સાથે કૂટનીતિક વાતચીત દ્વારા તેને પાછા લેવાશે. અમારા વિદેશ મંત્રી ભારત જવાના છે, જ્યાં તેઓ અમારા દ્વારા પ્રકાશિત નવા નકશાના મુદ્દાને મુખ્યત્વે ઉઠાવીશું. આપને જણાવી દઇએ કે આ મુદ્દાને લઇ પણ ઓલીને પોતાના ઘરમાં આલોચનાનો સામનો કરવો પડ્યો છે.
ઓલી એ એમ પણ દાવો કર્યો કે તેમની સરકારે ભારત અને ચીન બંનેની સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવાની દિશામાં કામ કર્યું છે અને તેને નવી ઉંચાઇઓ પર પહોંચાડી દીધા છે. તેમણે આગળ કહ્યું કે અમે ભારતની સાથે સમાનતાના આધાર પર સંબંધ બનાવવા માંગીએ છીએ. જ્યાં અમે અમારી ચિંતાઓને ખુલીને વ્યક્ત કરી શકીએ. અમે કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખનો જે મુદ્દો ઉઠાવ્યો છે તે અમારી વાસ્તવિક ચિંતાઓને દર્શાવે છે. ઓલીએ કહ્યું કે થોડાંક સપ્તાહ પહેલાં જ નેપાળ પહોંચેલા ભારત અને ચીનના ઉચ્ચ અધિકારીઓના પ્રવાસને લઇ ચિંતા કરવી જોઇએ નહીં.