BMCને ઉદ્ધવ ગૃપની ચીમકીઃ પરવાનગી મળે કે ન મળે, શિવાજી પાર્કમાં જ દશેરાની રેલી થશે

September 20, 2022

- દશેરા રેલી મુદ્દેની અરજી ઉપર જવાબ નહીં મળે તો શિવાજી પાર્કમાં એકઠા થશે શિવસૈનિકઃ શિવસેના


મુંબઈ- ઉદ્ધવ ઠાકરેના નેતત્વ હેઠળની શિવસેનાએ મંગળવારના રોજ કહ્યું હતું કે, બૃહ્ન્મુંબઈ નગર નિગમ (BMC) પરવાનગી આપે કે ન આપે તેઓ પાર્ટીની દશેરા રેલી મુંબઈના શિવાજી પાર્કમાં કરશે. મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ નગર નિગમના અધિકારીઓની મુલાકાત લેશે. તેઓ રેલીનું આયોજન કરવાની પરવાનગી માટે તેમની અરજી અંગે પૂછપરછ કરશે. શિવસેનાએ કહ્યું હતું કે, વહીવટીતંત્રે અમને પરવાનગી આપવી પડશે અથવા અરજી નામંજૂર કરવી જોઈએ. અમે શિવાજી પાર્કમાં રેલી કરવાના અમારા નિર્ણય ઉપર મક્કમ છીએ.  

શિવસેનાએ કહ્યુ હતું કે, જો અમને અમારી અરજી ઉપર જવાબ નહીં મળે તો બાલા સાહેબના શિવસેના કાર્યકરો દશેરા દિવસે શિવાજી પાર્કમાં એકઠા થશે. ઠાકરેના નેતૃત્વવાળા ગૃપ અને હરીફ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ વાળા ગૃપ બન્નેએ મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં રેલી યોજવાની પરવાનગી માંગી છે. શિવસેના પોતાની સ્થાપનાની શરૂઆતથી જ આ સ્થળે દશેરા રેલીનું આયોજન કરતી હતી. BMCએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. આ બન્ને ગૃપે એક વિકલ્પ તરીકે બાંદ્રા કુર્લા કોપ્લેક્ષ (BKC) ના MMRDA મેદાનમાં રેલી કરવાની પરવાનગી માટે પણ અરજી કરી છે. ગત સપ્તાહે શિંદે જૂથને BKCમાં રેલી કરવાની મંજૂરી મળી હતી. 

આ દરમિયાન NCPના નેતા અજીત પવારે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી કરવાની પરવાનગી મળવી જોઈએ અને જો પરવાનગી ન મળે તો તેણે કાયદાનો સહારો લેવો જોઈએ. જો શિંદે ગૃપને BKC મેદાન માટે મંજૂરી આપી હોય તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી યોજવાની પરવાનગી આપવી જોઈએ.