બ્રાઝિલે ૪-૧થી ઉરુગ્વેને હરાવ્યું, પેરુ સામે આર્જેન્ટીનાનો ૧-૦થી વિજય

October 16, 2021

રિયો: ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા તરફ આગેકૂચ કરતાં બ્રાઝિલે ૪-૧થી ઉરૃગ્વેને હરાવીને પ્રભુત્વસભર આગેકૂચને જારી રાખી હતી. જ્યારે આર્જેન્ટીનાની ટીમે પેરૃ સામેની ભારે સંઘર્ષમય મેચમાં ૧-૦થી જીત હાંસલ કરી હતી. કોલંબિયા અને એક્વાડોર વચ્ચેની મેચ ૦-૦થી ડ્રોમાં પરિણમી હતી. કોરોના બાદ પહેલી વખત બ્રાઝિલીયન ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી હતી. જે પછી રમાયેલી મેચમાં ૧૦મી મિનિટે સૌપ્રથમ ગોલ નેમારે ફટકાર્યો હતો. તેણે ફ્રેડના પાસને અસરકારક રીતે ગોલમાં ફેરવ્યો હતો. નેમારનો આ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૭૦મો ગોલ હતો. ઈપીએલમાં રમતાં રાફિન્હોએ ૧૮મી મિનિટે અને ૫૮મી મિનિટે ગોલ ફટકાર્યા હતા.
ઉરૃગ્વેના વેટરન સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝે ૭૭મી મિનિટે ફ્રિ કીકને ગોલમાં ફેરવતા સ્કોરને ૧-૩ કર્યો હતો. જોકે અવેજી ખેલાડી તરીકે ઉતરેલા ગેબ્રિયલ બાર્બોસાએ ૮૩મી મિનિટે ગોલ ફટકારીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. આર્જેન્ટીનાએ પેરૃ સામે ગોલ ફટકારવાની બે ગોલ્ડન તકો ગૂમાવી હતી. જોકે ૪૩મી મિનિટે લૌટારો માર્ટિનેઝના ગોલને સહારે તેમને જીત મળી હતી. રેફરીએ એક તબક્કે પેરૃને પેનલ્ટી કીક આપી હતી. જે ગોલ પોસ્ટને ટકરાઈને રિબાઉન્ડ થઈ હતી. મેસીએ બ્રાઝિલીયન રેફરીના નિર્ણયોને પક્ષપાતપૂર્ણ ગણાવીને તેની ટીકા કરી હતી.
કોલંબિયાના યેરી મીરાએ એક્વાડોર સામેની મેચમાં આખરી મિનિટોમાં મેચનો એકમાત્ર ગોલ ફટકાર્યો હતો. આ પછી તેઓ જીતની ઉજવણીમાં વ્યસ્ત બન્યા હતા. જોકે રેફરીએ વિડિયો રેફરલની મદદથી તે ગોલને રદ કર્યો હતો. રેફરીએ તે હેન્ડબોલ હોવાનો નિર્ણય આપતાં કોલંબિયાને આંચકો લાગ્યો હતો.