બ્રાઝિલ બન્યું કોરોનાનું નવું એપી સેન્ટર, એક જ દિવસમાં 17,408 નવા કેસ

May 21, 2020

બ્રાઝિલ : દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,408 નવા કેસ સામે આવ્યા અને 1,179 લોકોના મોત થયા.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 294,152 કેસ નોંધાયા છે અને 19,038 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ત્યાંના હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે. બ્રાઝિલમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્યાં કોરોના સંકટમાં વધારો થઈ રહ્યો છે.

બ્રાઝિલના ઘણાં રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પણ ત્યાંના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે.

ત્યાંની જનતા લોકડાઉનનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવી હતી. પણ, તેઓને એ વાતનો ખ્યાલ નહોતો કે કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ આટલી ખરાબ થઈ શકે છે.

એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યા મુજબ બ્રાઝિલમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે ખરાબ છે કે હોસ્પિટલના કર્મચારીઓને અલગ-અલગ શિફટમાં કામ કરવા માટે એક જ પીપીઈ કિટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન હેલ્થ કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કોરોના વાયરસના ઈલાજ માટે હવે હોસ્પિટલો પણ ઓછી પડી રહી છે.બ્રાઝિલના 1.3 કરોડ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે તેવામાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અસંભવ લાગી રહ્યું છે.